અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર | Ahmedabad Property Scam: Retired Man Duped of Lakhs Accused Flees After Fraud

![]()
Ahmedabad Property Scam: અમદાવાદ શહેરમાં ઉંચા વળતરની લાલચ આપી નિવૃત્ત નાગરિકોને નિશાન બનાવતી વધુ એક ઘટના સામે આવી છે. નારણપુરા વિસ્તારમાં રહેતા એક 72 વર્ષીય વૃદ્ધને પ્રોપર્ટીમાં રોકાણ કરવા પર દર મહિને 6 ટકા વળતરની લાલચ આપી એક ઠગે 16.51 લાખ રૂપિયા પડાવી લીધા છે. આરોપી પોતાનું ઘર અને ઓફિસ વેચીને ફરાર થઈ જતા અંતે ભોગ બનનાર વૃદ્ધે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
નિવૃત્ત જીવનની મૂડી ગુમાવી
મળતી માહિતી અનુસાર, નારણપુરામાં રહેતા 72 વર્ષીય સુભાષચંદ્ર મહેતા આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ઓગસ્ટ 2023માં તેમના સાળાના દીકરા મારફતે તેમનો સંપર્ક સિધ્ધાર્થ રાવલ નામના શખસ સાથે થયો હતો. સિધ્ધાર્થે પોતાની ‘સિલીકોન રીયલ એસ્ટેટ’ કંપનીમાં રોકાણ કરવાની સ્કીમ સમજાવી હતી અને ખોટા એગ્રીમેન્ટ બતાવી વૃદ્ધનો વિશ્વાસ જીત્યો હતો.
વિશ્વાસમાં આવી ગયેલા વૃદ્ધે 12 સપ્ટેમ્બર 2023ના રોજ 11 લાખ રૂપિયાનો ચેક અને બીજા દિવસે 5.51 લાખ રૂપિયા રોકડા મળી કુલ 16,51,000 રૂપિયા આપ્યા હતા. આરોપીએ ખાતરી આપી હતી કે જરૂર પડે 30 દિવસમાં તમામ રૂપિયા પાછા મળી જશે અને દર મહિને 6% પ્રોફિટ મળશે. શરૂઆતના 4-5 મહિના વળતર ચૂકવ્યા બાદ આરોપીએ પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. વૃદ્ધ જ્યારે તપાસ કરવા શેલા ખાતેના તેના ઘરે અને ઓફિસે ગયા ત્યારે જાણવા મળ્યું કે આરોપી મકાન વેચીને રાતોરાત ફરાર થઈ ગયો છે.
અન્ય લોકો પણ બન્યા છે ભોગ
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ઠગ સિધ્ધાર્થ રાવલે માત્ર સુભાષચંદ્ર જ નહીં, પરંતુ તેમના જેવા અન્ય ઘણાં લોકો સાથે પણ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. માર્ચ 2025માં આ હકીકત સામે આવ્યા બાદ વૃદ્ધે હિંમત કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. નારણપુરા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સિધ્ધાર્થ રાવલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


