16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | implement womens reservation special session of parliament from april 16 to 18

![]()
Women’s Reservation: બજેટ સત્રના સમાપન વચ્ચે સરકારે એક મોટું પગલું ભરતાં સંસદની બેઠકોને અનિશ્ચિતકાળ માટે સ્થગિત ન કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, 16, 17 અને 18 એપ્રિલના રોજ એક વિશેષ સત્ર બોલાવવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય મહિલા અનામત લાગુ કરવામાં આવી રહેલા અવરોધોને દૂર કરવાનો અને સુધારા વિધેયકો પસાર કરવાનો છે.
‘મહિલા અનામત લાગુ કરવાની પેરવીમાં સરકાર’
સંસદનું બજેટ સત્ર આજ ગુરુવારેથી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવે તેવી શક્યતા નથી. સરકાર મહિલા અનામતને લાગુ કરવાની સાથે લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને 816 કરવા માટે એક બિલ લાવવાની પેરવીમાં છે જે માટે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં 16, 17 અને 18 એપ્રિલ માટે ફરીથી સત્ર બોલાવવાની યોજના બનાવી છે.
આજે પૂર્ણ થવાનું હતું સંસદનું બજેટ સત્ર
આ વર્ષે 28 જાન્યુઆરીએ શરૂ થયેલું બજેટ સત્ર 2 એપ્રિલે સમાપ્ત થવાનું હતું, પરંતુ હવે સરકાર તેને થોડા દિવસો બાદ બે-ત્રણ દિવસ વધુ લંબાવવા પર વિચાર કર્યો છે. સરકારનું માનવું છે કે ગુરુવારે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ સંબંધિત ગૃહોને સ્થગિત કરી શકે છે અને આગામી બેઠક માટે એક નિશ્ચિત તારીખની જાહેરાત કરી શકે છે. આ લંબાવવામાં આવેલા સમયગાળા દરમિયાન, સરકાર દ્વારા બંધારણીય સુધારા વિધેયક રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે, જેના દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારો કરવામાં આવશે.
લોકસભાની બેઠકોમાં થશે વધારો
મહત્ત્વનું છે કે લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ માટે 2023માં બંધારણીય સુધારા વિધેયક (નારી શક્તિ વંદન વિધેયક) પસાર કરવામાં આવ્યું હતું, જો કે તેનો અમલ સીમાંકનની પ્રક્રિયા બાદ જ થઈ શકે તેમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે રૂપરેખા પર ચર્ચા ચાલી રહી છે તે મુજબ લોકસભાની બેઠકોની સંખ્યા વર્તમાન 543થી વધીને 816 થઈ જશે, જેમાં 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.



