અમદાવાદ: નેટ-મોબાઈલ બેન્કિંગ ચાલુ ન થતા વિફરેલા ખાતા ધારક બેંકનું CPU જ લઈને જતા રહ્યા
અમદાવાદ : બેંક તરફથી લોન માટે કે અન્ય કોઈ સ્કીમ માટે જ્યારે ટેલિકોલરના ફોન આવે ત્યારે ભલભલા ત્રાહિમામ પોકારી ઉઠે છે. પણ મકરબા ખાતે આવેલી એક બેંકમાં એવો બનાવ બન્યો જેમાં ખાતા ધારકના કારણે બેન્કના મેનેજર અને કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જોકે બેંક દ્વારા યોગ્ય સર્વિસ ન અપાતા ખાતા ધારક કંટાળી ગયા હતા અને બેંકમાં જઈને હોહાપો મચાવ્યો હતો. આટલું જ નહીં બેંકનું સીપીયુ જ ઉઠાવી ગયા અને પરત મૂકી જતા આખરે પોલીસ ફરિયાદ નોંધવાઈ હતી.
મૂળ હરિયાણાના અને હાલ વાસણા ખાતે રહેતા વિનિતભાઈ ગુરદત્તા બેન્ક ઓફ બરોડાની મકરબા શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ બેંકમાં અન્ય છ લોકો કામ કરે છે. ગત. 1 જુનના રોજ તેમની બેંકમાં એસ.પી જવેલર્સના નામથી ખાતું ધરાવતા સુજય શાહ આવ્યા હતા. તેઓ બેંકમાં આવીને જોરજોરથી બુમાબુમ કરતા હતા. તેવામાં વિનિતભાઈ તેમની કેબિનમાંથી બહાર આવ્યા હતા. સુજય ભાઈનું કહેવું હતું કે, તેઓએ છેલ્લા અનેક દિવસોથી મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ ચાલુ કરવા ઇમેઇલ કર્યો છે. પણ બેન્ક તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નથી. જેથી મેનેજરે કહ્યું કે અગાઉ આ સુવિધા ચાલુ થઈ હતી. પણ સુજય ભાઈએ ધમકી આપી કે, હાલ આ સુવિધા ચાલુ કરી આપવામાં આવે નહિ તો તેઓ સીપીયુ લઈને જતા રહેશે.
આ દરમિયાન આઇટી વિભાગ ઓએસે ચેક કરાવવાનું કહ્યાં બાદ મેનેજર તે પ્રોસેસ કરતા હતા. તેવામાં સુજય શાહે આવેશમાં આવીને એક સીપીયુ લઈ લીધું હતું અને લઈને જતા રહ્યા હતા.
આ સીપીયુમાં લોન અને ગ્રાહકોના ખાતા નો ડેટા હતો. પણ સુજય શાહ આ લઈને ફરાર થઈ ગયા બાદ મેનેજરે તેમની રિજિયોનલ ઓફિસમાં આ અંગે જાણ કરી હતી. આજે આ સુજય શાહ સીપીયુ પરત મૂકી જતા બેન્ક મેનેજરે આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આઇપીસી 379A(3) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.