બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | ed raids ipac premises hyderabad bengaluru delhi west bengal coal smuggling case

West Bengal Coal Smuggling Case: પશ્ચિમ બંગાળના કરોડો રૂપિયાના કોલસા કૌભાંડ (Coal Smuggling Case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ જાણીતી રાજકીય સલાહકાર સંસ્થા I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) સાથે જોડાયેલા અનેક સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. હૈદરાબાદ, બેંગલુરુ અને દિલ્હીમાં ચાલી રહેલા આ સર્ચ ઓપરેશનમાં I-PACના ડાયરેક્ટર ઋષિરાજ સિંહના બેંગલુરુ સ્થિત નિવાસસ્થાનને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં EDએ સંસ્થાના કોલકાતા સ્થિત કાર્યાલય અને અન્ય ડાયરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાનો પર પણ સર્ચ કર્યું હતું.
મમતા બેનર્જી અને ED વચ્ચે સર્જાયો હતો વિવાદ
આ કેસમાં ત્યારે મોટો વળાંક આવ્યો જ્યારે અગાઉ કરવામાં આવેલા દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના અન્ય નેતાઓ I-PACની સોલ્ટ લેક સ્થિત ઓફિસે પહોંચી ગયા હતા. તપાસ એજન્સી EDએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, દરોડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મુખ્યમંત્રીએ ત્યાંથી મહત્ત્વના દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા પુરાવાઓ હટાવી દીધા હતા. આ મામલે હવે કેન્દ્રીય એજન્સીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને CBI પાસે સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે. EDનું માનવું છે કે રાજ્ય સરકારના કથિત હસ્તક્ષેપને કારણે આ કેસમાં તટસ્થ તપાસ થવી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો: ‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી
હવાલા દ્વારા કરોડોના વ્યવહારનો આક્ષેપ
તપાસ એજન્સીનો દાવો છે કે કોલસા કૌભાંડના ગુનામાંથી મેળવેલા આશરે ₹10 કરોડ હવાલા માર્ગે I-PACને પહોંચાડવામાં આવ્યા હતા. આ રકમ 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે સંસ્થાએ ભજવેલી ભૂમિકાના બદલામાં ચૂકવવામાં આવી હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, I-PAC હાલમાં પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે મમતા બેનર્જીની વ્યૂહરચના ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આ દરોડા બાદ રાજ્યમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.




