ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે બલિનો બકરો બનશે આ નાનકડો દેશ? ટ્રમ્પે આપી મોટી ધમકી | Trump Threatens to Cut Ukraine Aid to Pressure NATO Over Strait of Hormuz Crisis

Trump threatens to stop Ukraine weapon supply: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ NATO સમૂહના સાથી દેશો પર ભારે રોષે ભરાયા છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે નાટો દેશોએ અમેરિકાને એક પછી એક અનેક ઝટકા આપ્યા છે, જેના કારણે ટ્રમ્પ એટલા હદે ખિજાયા છે કે તેમણે અમેરિકાને નાટોથી અલગ કરવાની ધમકી પણ આપી દીધી છે. આ સમગ્ર વિવાદમાં હવે એક નાના દેશ યુક્રેનને ભારે કિંમત ચૂકવવી પડી શકે તેમ છે. છેલ્લા 4 વર્ષથી રશિયા સામે જંગ લડી રહેલું યુક્રેન હવે ઈરાન યુદ્ધમાં બલિનો બકરો બને તેવી પૂરેપૂરી શક્યતા છે. અહેવાલો મુજબ, યુરોપિયન દેશો પર દબાણ લાવવા માટે ટ્રમ્પ હવે યુક્રેનને હથિયારોની સપ્લાય રોકવાની તૈયારી કરી રહ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી કરાવવા પશ્ચિમી દેશો પર દબાણ
મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રમ્પે તાજેતરમાં જ યુક્રેનને મળતી સૈન્ય મદદ બંધ કરવાની ચીમકી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધમકી પાછળ ટ્રમ્પનો મુખ્ય હેતુ પશ્ચિમી દેશો પર દબાણ લાવવાનો છે, જેથી તેઓ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી કરાવવામાં અમેરિકાને મદદ કરે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ આ મહત્ત્વનો દરિયાઈ માર્ગ અસરકારક રીતે બંધ છે અને ઈરાન અહીંથી પસાર થતા જહાજોને નિશાન બનાવી રહ્યું છે, જેના કારણે વિશ્વમાં ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે ટ્રમ્પ આ રસ્તો ખુલ્લો કરાવવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ નાટો દેશો તેમને સાથ આપી રહ્યા નથી.
આ પણ વાંચો: ટ્રમ્પનું સંબોધન પૂરું થતાં જ ઈરાને ઈઝરાયલ પર ઝીંકી મિસાઈલો, હાઈફાને હચમચાવ્યું
યુરોપિયન દેશોનો સૈન્ય બેઝ આપવાનો ઇનકાર
ફ્રાન્સ, સ્પેન અને ઈટાલી સહિતના અનેક દેશોએ ટ્રમ્પને તેમના સૈન્ય બેઝ વાપરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. એટલું જ નહીં, યુરોપિયન દેશોએ આ લડાઈ તેમની નથી તેમ કહીને ટ્રમ્પના ગઠબંધનમાં જોડાવાનો પણ વિરોધ કર્યો છે. આ બાબતથી નારાજ થઈને ટ્રમ્પે નાટોને ‘કાગળનો વાઘ'(પેપર ટાઇગર) ગણાવ્યો છે અને એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે તેઓ નાટોનું સભ્યપદ સમાપ્ત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. જોકે, અમેરિકન કાયદા મુજબ નાટોમાંથી બહાર નીકળવા માટે સીનેટમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડે છે, પરંતુ ટ્રમ્પની આ આક્રમક વ્યૂહનીતિએ અત્યારે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે.




