ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urban Areas from Fragmentation Law Introduces Uniform 10 Guntha Rule

![]()
Fragmentation Act: ગુજરાતમાં આઝાદી સમયથી ચાલતા ટુકડા ધારા 1947માં રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરીને શહેરી વિસ્તારોને હવે તેમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત આખા રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ પણ લાગું કરાશે.
ટુકડા ધારાના ભંગના તમામ કેસ કોઈ પેનલ્ટી વગર રેગ્યુલાઈઝ કરાશે
ટુકડા ધારામાં અત્યાર સુધી પિયત, બિનપિયત, બાગાયત, જીરાયત વગેરે જમીનો માટે અલગ-અલગ માપદંડો હતા. જેના કારણે ખેડૂતોને મુંઝવણ રહેતી હતી. પરંતુ હવેથી આખા રાજ્યમાં તમામ પ્રકારની જમીનો માટે 10 ગુંઠાનો સામાન્ય નિયમ કરાયો છે. 10 ગુંઠાથી ઓછી જમીનના ટુકડા થઈ શકશે નહીં. આ સિવાય રાજ્યની મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ અને શહેરી વિકાસ સત્તા મંડળોને ટુકડા ધારામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેના કારણે જમીન એનએ સહિતની પ્રક્રીયા ઝડપી બનશે.
આ સિવાય નિયમ કરતા નાના ટુકડા પાડ્યા હોય અથવા તો કાયદાનું ઉલ્લંઘન થયું હોય તેવા જૂના કેસ કોઈ પણ પેનલ્ટી વગર રેગ્યુલાઈઝ કરી આપવાનું પણ નક્કી કરાયું છે. વર્ષ 1948થી અત્યાર સુધી હજારો કેસમાં જંત્રીના 10 ટકા પેનલ્ટી ભર્યા પછી પણ આવા વ્યવહારો કાયદેસર થતા નહોતા. સરકાર આ ત્રણેય સુધારા માટેનો વટહુકમ લાવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ સુધારા અમલમાં આવી જશે.



