વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown vehicle on Vathwadi Bridge

![]()
– ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતના વધુ બે બનાવ
– કંજોડા પાટિયા નજીક બુલેટ મોટરસાયકલ સાથે અથડાતા ચારને ઈજા, બંને અકસ્માત મામલે ગુનો
નડિયાદ : મહેમદાવાદની ખાત્રજ ચોકડીથી મહુધા રોડ ઉપર વાઠવાડી ઓવરબ્રિજ ઉપરથી પસાર થતી મોટરસાયકલને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ગંભીર ઈજા પામેલા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે કંજોડા પાટિયા નજીક બુલેટ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. બંને અકસ્માત અંગે જે-તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મહેમદાવાદ તાલુકાના જયેશ વિનુભાઈ પરમાર સોમવારે સાંજે વટવા નોકરી પરથી છૂટી મોટરસાયકલ લઈ ઘરે જતા હતા. આ દરમિયાન ખાત્રજ ચોકડીથી મહુધા રોડ ઉપરથી પસાર થતા વાઠવાડી બ્રિજ ચડતો હતા, ત્યારે અજાણ્યો વાહન ચાલક મોટરસાયકલને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માત સર્જાતા રોડ પર પટકાતા બાઈક ચાલક જયેશભાઈ પરમારને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી ૧૦૮ બોલાવી બાઈક ચાલક ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા મંગળાવારે સવારે જયેશભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વિનુભાઈ કાળાભાઈ પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં નડિયાદ તાલુકાના સલુણ ગામમાં રહેતા બાબુભાઈ લાખાભાઈ પરમાર અને તેમનો દીકરો અલ્પેશ સોમવારની સાંજે કામ પરથી છૂટી કંજોડાથી મોટરસાયકલ લઈ ઘરે જઈ રહ્યાં હતા. આ દરમિયાન નડિયાદ તરફથી આવેલા બુલેટના ચાલકે કંજોડા પાટિયા આગળ યુટર્ર્ન લેતા મોટરસાયકલ સાથે અથડાયું હતું. જેથી બાબુભાઈ લાખાભાઈ પરમાર તેમજ તેમના દીકરા અલ્પેશ અને બુલેટ પર સવાર બંનેને ઈજા થઈ હતી. જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બાબુભાઈ લાખાભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



