દેશમાં ડોમેસ્ટિક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં રજૂ કર્યો 2025નો ડેટા | Indigo and Air India Dominate 91% of India’s Aviation Market: Government Reveals 2025 Data

![]()
India Domestic Aviation Market Data : કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એવિએશન સેક્ટરનો એવો ચોંકાવનારો ડેટા રજૂ કર્યો છે, જેના પરથી લાગી રહ્યું છે કે, દેશમાં માત્ર બે કંપનીઓની સામે કોઈપણ મોટો હરીફ નથી. સરકારના જણાવ્યા મુજબ, દેશના આકાશમાં માત્ર બે એરલાઇન્સ ગ્રૂપ ઇન્ડિગો અને એર ઇન્ડિયાનું વર્ચસ્વ છે. આ બે કંપનીઓ ડોમેસ્ટિક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% ફ્લાઇટોનું સંચાલન કરે છે, જ્યારે બાકીની 9 ટકા ફ્લાઇટોનું સંચાલન અન્ય કંપનીઓ પાસે છે.
ઇન્ડિગો નંબર-1, એર ઇન્ડિયા નંબર-2
રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે એવિએશન સેક્ટર મામલે સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ આપતા નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે આ ડેટા રજૂ કર્યો છે. આંકડા મુજબ, ભારતના એવિએશન માર્કેટમાં ઇન્ડિગોનો દબદબો યથાવત્ છે. 2025માં માત્ર દેશમાં ઓપરેટ થતી કુલ ફ્લાઇટમાંથી 64 ટકા ફ્લાઇટનું ઇન્ડિગોએ સંચાલન કર્યું હતું અને જાન્યુઆરી-2026માં 63.6 ટકા સંચાલન કર્યું છે. જ્યારે એર ઇન્ડિયા ગ્રૂપ(એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, વિસ્તારા)ની એરલાઇન્સોએ 2025માં કુલ ફ્લાઇટમાંથી 27 ટકા સંચાલન કર્યું હતું, જ્યારે જાન્યુઆરી-2026માં 26.5 ટકા સંચાલન કર્યું છે. એટલે કે આ બંને એરલાઇન્સોએ ડોમેસ્ટિક માર્કેટમાં કુલ 91 ટકા ફ્લાઇટો ઓપરેટ કરી મોટું વર્ચસ્વ જમાવ્યું છે. જ્યારે બાકીની તમામ નાની એરલાઇન્સે માત્ર 9 ટકા ફ્લાઇટોનું સંચાલન કર્યું છે.
આ પણ વાંચો : બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ
ડિસેમ્બર-2025માં સંકટના કારણે 3.64 લાખ મુસાફરો પરેશાન થયા
કેન્દ્ર સરકારે સંસદમાં એવું પણ કહ્યું છે કે, ઇન્ડિગો એરલાઇન્સે ડિસેમ્બર-2025માં 5689 ફ્લાઇટો રદ કરી હતી. ડિસેમ્બરમાં ફ્લાઇટમાં ખામીના કારણે માત્ર ત્રણ દિવસની અંદર 3.64 લાખથી વધુ મુસાફરો પરેશાન થયા હતા. પાયલોટના શેડ્યૂલમાં ગોટાળા અને નવા ‘ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન’ નિયમોનું પાલન ન થવાના કારણે આ ફ્લાઇટો રદ થઈ હતી.
રૂ.46 કરોડથી વધુનું વળતર અપાયું
ડિસેમ્બરમાં ફ્લાઇટો રદ થવાથી ભારે હોબાળો થયો હતો. જોકે એરલાઇન્સે મુસાફરોને વળતર પણ ચૂકવ્યું હતું. ડેટા મુજબ, ઇન્ડિગોએ અત્યાર સુધીમાં 4620.5 લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. મંત્રાલયે કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં ફ્લાઇટ કેન્સલનું રિફંડ ગ્રાહકોને ચૂકવી દેવાયું છે.



