ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વિશ્વને મળશે શાંતિનો સંદેશ | PM Modi Unveils ₹19 800 Cr Projects in Gujarat Inaugurates Dholera Expressway

![]()
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(31મી માર્ચ) ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
LIVE UPDATES:
જય જિનેન્દ્રના જયઘોષ સાથે પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ‘જય જિનેન્દ્ર’ના જયઘોષ સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘હું કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જ્યંતીની શુભકામના આપું છું. હું આજે પરમપૂજ્ય આચાર્ય કૈલાશસાગર સૂરીશ્વરજીને યાદ કરું છું. તેમની પ્રેરણાથી આ મહાન તીર્થની સ્થાપના થઈ છે. અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ મળે છે અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે. આ ત્રિવેણીને અવિરત જાળવી રાખવાનું આપણું દાયીત્વ છે. હજારો વર્ષની ભારતીય વિરાસત, જૈન ધર્મનું જ્ઞાન આગલી પેઢી સુધી પહોંચાડવા આપણા સંતો દ્વારા આ મ્યુઝિયમની સંકલ્પના કરવામાં આવી. આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય જૈન દર્શન અને પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર બન્યું છે. હું સૌ જૈન મુનિનું અભિનંદન કરું છું અને તેમના ચરણોમાં પ્રણામ કરું છું.’
ઇતિહાસ ટાંકીને પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘દુનિયામાં અનેક દાર્શનિકો અને શાસકો થયા, પરંતુ જ્યારે સત્તા અને શક્તિની વાત આવી ત્યારે ઘણાંએ આદર્શોને નેવે મૂકી દીધા હતા. જેના કારણે સત્તા અને મૂલ્યો વચ્ચે એક મોટી ખાઈ સર્જાઈ હતી. પરંતુ સમ્રાટ સંપ્રતિએ સત્તાને માત્ર ભોગનું સાધન નહીં, પણ સેવા અને સાધના તરીકે જોયું હતું. સમ્રાટ સંપ્રતિએ અહિંસા, સત્ય અને અપરિગ્રહનો પ્રચાર કરીને ભારતીય દર્શન અને વ્યવહારને એક તાંતણે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.’
‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ
મહાવીર જ્યંતીના પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કોબા ખાતે જે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું છે, તેની પાછળ એક મહાન સંતનો દાયકાઓનો પુરુષાર્થ અને સમર્પણ છુપાયેલું છે. આ મ્યુઝિયમ માત્ર એક ઇમારત નથી, પરંતુ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજનું જીવનભરનું સ્વપ્ન છે.
આ મ્યુઝિયમમાં સંગ્રહિત અમૂલ્ય વારસો કોઈ સામાન્ય ખરીદી દ્વારા નથી આવ્યો, પરંતુ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગર સૂરીશ્વરજીએ છેલ્લા 60 વર્ષોમાં ભારત અને નેપાળની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે વિવિધ પ્રદેશોમાંથી અતિ દુર્લભ સાંસ્કૃતિક અવશેષો, હસ્તપ્રતો અને ઐતિહાસિક પુરાવાઓ શોધી કાઢ્યા હતા. આ અમૂલ્ય ખજાનાને આવનારી પેઢીઓ માટે અત્યંત શ્રદ્ધા અને આધુનિક તકનીક સાથે આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે.
કોણ હતા સમ્રાટ સંપ્રતિ?
આ મ્યુઝિયમનું નામ સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ પરથી રાખવામાં આવ્યું છે. જૈન ઇતિહાસમાં તેમનું સ્થાન અત્યંત ગૌરવશાળી છે. તે અહિંસા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. જૈન પરંપરા મુજબ, તેમણે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં અને અનેક જિનાલયોના નિર્માણમાં પાયાનું યોગદાન આપ્યું હતું. મ્યુઝિયમ દ્વારા સમ્રાટ સંપ્રતિના સમયની અને જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઝાંખી વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે.
23મી એપ્રિલથી મ્યુઝિયમ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ મ્યુઝિયમ દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે ભારતની પ્રાચીન આધ્યાત્મિક ચેતનાને સમજવાનું એક મુખ્ય કેન્દ્ર બની રહેશે.
PM મોદીનું અમદાવાદ ઍરપૉર્ટ પર આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ઍરપૉર્ટ પર પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું. હવે કોબા જવા રવાના થયા છે.
કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ
મહાવીર જ્યંતીના પવિત્ર અવસરે પીએમ મોદી ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ જૈન ધર્મના શાશ્વત મૂલ્યો, અહિંસા અને ભારતની આધ્યાત્મિક વિરાસતને વિશ્વ સમક્ષ રજૂ કરશે. તે માત્ર કલાકૃતિઓનો સંગ્રહાલય નહીં, પરંતુ આધ્યાત્મિક ચેતનાનું જીવંત કેન્દ્ર બની રહેશે.
સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાતનું ડગલું
પીએમ મોદી સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ ગુજરાત અને ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
પરિવહન ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ સમાન 109 કિમી લાંબા ‘અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે’ (NE-8) નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર માત્ર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે.
વાવ-થરાદ ખાતે વિકાસકાર્યોનો શિલાન્યાસ
પ્રવાસના અંતિમ તબક્કે વડાપ્રધાન વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે આ તમામ વિકાસકાર્યોની કુલ કિંમત 19,806.9 કરોડ રૂપિયા જેટલી થાય છે, જે ઉત્તર ગુજરાત અને સમગ્ર રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ લઈ જશે.



