ચાની ચુસ્કીથી લઈને પંજાબી સબ્જી સુધી બધું જ મોંઘું! LPG અછત વચ્ચે સરકાર કાળાબજાર રોકવામાં નિષ્ફળ | LPG Crisis Iran Israel Conflict Sparks Black Marketing and Rising Food Prices in Ahmedabad

LPG Crisis: રાંધણ ગેસ મામલે સ્થિતિ કાબૂમાં હોવાના ગાણાં સરકાર ભલે ગાઈ રહી હોય, પરંતુ અમદાવાદ શહેરમાં ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓની કમર ભાંગી ગઈ છે. પરિણામે અનેક નાના વેપારીઓએ ધંધા બંધ કરી દીધા છે અથવા તો ફેરવી નાંખ્યા છે. બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડરના કાળાબજારે મોંઘવારી વધારી હોય તેમ ખાણી-પીણીની તમામ વસ્તુઓના ભાવ વધવા માંડ્યા છે. ચાની ચુસ્કીથી લઈને ભોજનની થાળી સુધી ભાવ વધારાનું ભારણ પ્રજા પર આવ્યું છે.
યુદ્ધની આડઅસર: ઈરાન-ઈઝરાયલ તણાવે રસોડાનું બજેટ ખોરવ્યું
ઈરાન-ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે ભારતમાં એલપીજીની અછત શરૂ થઈ છે. જેના પગલે સરકારે ખાણી-પીણીના ક્ષેત્રમાં માત્ર એલપીજીનો 25 ટકા જથ્થો જ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સરકારના આ નિર્ણય કરતા પણ કાળાબજારના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ છે. અમદાવાદ શહેરમાં ખાણી-પીણીનો વ્યવસાય કરતા લારીવાળા અને નાના વેપારીઓને સત્તાવાર રીતે કમર્શિયલ એલપીજી સિલિન્ડર મળી રહ્યો નથી. પરિણામે રૂ. 4થી 5 હજાર ચૂકવીને કાળા બજારીમાં સિલિન્ડર ખરીદવો પડે છે.

કાળાબજારના કારણે ગ્રાહકોના ખિસ્સા પર ભાર
વચેટિયાઓને ચૂકવાયેલી આ વધારાની રકમનો ભાર આખરે તો ગ્રાહકો પર જ આવે છે. નાના રેસ્ટોરન્ટમાં ગુજરાતી-પંજાબી જેવી ભોજનની થાળીઓનો ભાવ વધારી રૂ. 140થી 150 સુધી કરી દેવાયો છે. આવી રીતે જ ફાસ્ટફૂડમાં વડાપાંઉ અને દાબેલી જેવી વસ્તુઓનો ભાવ રૂ. 35થી 40 સુધી પહોંચ્યો છે. સામાન્ય દિવસોમાં આ વસ્તુઓ રૂ. 25થી 30ની સરેરાશ કિંમતે મળતી હતી. આ સિવાય ચાની ચુસ્કી પણ મોંઘી થઈ છે. આખી ચા રૂ. 20થી 30 અને કટિંગ ચાનો સામાન્ય ભાવ રૂ. 15 સુધી પહોંચ્યો છે. એકાદ મહિનો આવી જ સ્થિતિ રહેશે તો આ ભાવ વધારે વધે તેવી પૂરી શક્યતાઓ છે. અબલત, આજે પણ ઘણા નાના વેપારીઓ અગાઉની મૂળ કિંમતે જ ખાણી-પીણીની વસ્તુઓ વેચી રહ્યા છે.
આ પણ વાંચો: 25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી
અછતના કારણે નહીં, અરાજકતાના કારણે ભાવ વધ્યા!
બજારના જાણકારોના મતે ખાણી-પીણીની વસ્તુઓમાં થઈ રહેલા ભાવ વધારા માટે અછત નહીં, પરંતુ અરાજકતા વધારે જવાબદાર છે. સરકાર કોમર્શિયલ એલપીજીની કાળાબજારી ડામવામાં નિષ્ફળ રહી છે. પરિણામે નિયમ મુજબ 25 ટકા જથ્થામાં પણ ખાણી-પીણીવાળાને સિલિન્ડર મળતો નથી. સામાપક્ષે કાળાબજારમાં પાંચ હજારમાં છૂટથી બાટલો મળે છે. આ સ્થિતિના કારણે ભાવ વધ્યા છે.




