કાસોર પાસે બાઈક પરથી પટકાતા ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફરી વળતા મહિલાનું મોત | Woman dies after being hit by tractor trolley tire after falling off bike near Kasore

![]()
– લગ્ન પ્રસંગમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડયો
– રોડની સાઈડમાંથી અચાનક એક બાઈક સવાર નીકળતા ચાલકે બાઈકની શોર્ટ બ્રેક મારી અને અકસ્માત સર્જાયો
આણંદ : આણંદ તાલુકાના કાસોર તાબેના વિજયપુરા નજીક ગતરોજ બાઈક ચાલકે શોર્ટ બ્રેક મારતા ત્રણ વ્યક્તિ રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક મહિલાના શરીર ઉપર સામેથી આવી રહેલા ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ ફરી વળતા તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ભાલેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પાડગોલ ગામે રહેતા જાગૃતિબેન ભરતસિંહ પરમાર રવિવારે કુટુંબી જેઠ રાજેશભાઈ ઉર્ફે લાલાભાઇ સોલંકીના બાઈક ઉપર સાસુ ટીનીબેન સાથે સામરખા ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જવા નીકળ્યા હતા. વડતાલથી ચકલાસી પસાર કરીને કાસોર ગામના વિજયપુરા ગેટ નજીક તેઓ પહોંચ્યા હતા જ્યાં રોડની સાઈડમાંથી અચાનક એક બાઈક સવાર નીકળતા બાઈક ચાલક રાજેશભાઈએ શોર્ટ બ્રેક મારી હતી. જેથી બાઇક સ્લીપ ખાઈ જતા ત્રણેય રોડ ઉપર પટકાયા હતા. દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી ચડેલ ટ્રોલી સાથેના ટ્રેક્ટરનું પાછળનું વ્હીલ ટીનીબેનના શરીરના પર ફરી વળતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલ ટીની બેનને તુરંત જ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ભાલેજ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી



