ઈરાન પરમાણુ હથિયાર નિયંત્રણની આંતરરાષ્ટ્રીય સંધિમાંથી બહાર નીકળશે | Iran to withdraw from international nuclear arms control treaty

![]()
– પરમાણુ સંધિ મુદ્દે સંસદમાં ચર્ચા-વિચારણા થશે
– અમારા પરમાણુ મથકો પર આડેધડ હુમલાં થતાં હોય ત્યારે આવા આંતરરાષ્ટ્રીય કરારમાં જોડાઈ રહેવાનો કોઈ અર્થ નથી : ઈરાન
તેહરાન : ૧૯૬૮માં આંતરરાષ્ટ્રીય સ્તરે નોન પ્રોલિફેરેશન ન્યૂક્લિયર ટ્રિટી (એનપીટી) થઈ હતી અને ૧૯૭૦માં એ લાગુ પડી હતી. એ કરાર પ્રમાણે ન્યૂક્લિયર ટેકનોલોજીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવાની સહમતી બની હતી. પરમાણુ હથિયારો બનાવવાની સ્પર્ધા ન થાય તેવા પ્રયાસો આ કરારના માધ્યમથી થયા હતા. ઈરાન ૨૦૧૪માં આ સંધિમાં જોડાયું હતું. અમેરિકા-ઈરાન યુદ્ધ સમયે જ ઈરાને હવે આ સંધિ તોડી નાખવાની વિચારણા શરૂ કરી છે.
ઈરાનની સંસદમાં એનપીટીમાંથી બહાર નીકળવાની ચર્ચા-વિચારણા થશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું હતું કે આ સંધિમાં જોડાઈ રહેવાનો ઈરાનને શું ફાયદો થયો? આંતરરાષ્ટ્રીય દાદાગીરીનો ઈરાન ભોગ બન્યું છે અને ઈરાનના જ ન્યૂક્લિયર પ્લાન્ટ્સ પણ બેજવાબદારીથી હુમલા થઈ રહ્યાં છે. ન્યૂક્લિયર પ્લાન્ટનો હકારાત્મક, શાંતિપૂર્ણ ફાયદો ઈરાનને મળતો નથી. ઈરાનના પરમાણુ મથકોને તોડી પાડવાના આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થતાં હોય ત્યારે આ સંધિમાં રહેવાને બદલે સ્વતંત્ર રીતે આગળ વધવું હિતાવહ છે.
ઈરાને એવું પણ કહ્યું હતું કે જે દેશોને પરમાણુ મથકોને શાંતિપૂર્ણ ઉપયોગ કરવા દેવામાં આવતો નથી તેમની સાથે મળીને નવી સંધિ વિશે વિચારણા થશે. ઈરાને ક્યારેય પરમાણુ હથિયારો માટે કોશિશ કરી નથી. માત્ર શાંતિપૂર્ણ ઉપયોગ માટે, કરાર પ્રમાણે જ પ્રોગ્રામ આગળ વધતો હોવા છતાં ઈરાન પર આંતરરાષ્ટ્રીય દબાણ કરવામાં આવ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન જો આ સંધિમાંથી બહાર નીકળશે તો પરમાણુ હથિયારોની સ્પર્ધા વધી જશે. ઈરાનમાં યુરેનિયમનો વધતો જથ્થો ચિંતાજનક છે અને ૨૦૧૮ પછી ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે સંધિમાંથી બહાર નીકળવાનું પગલું ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે.



