ખેડાના અસલાલી ખાતે નિર્માણ પામી રહેલી રહેણાંક સ્કીમમાં ડેમોગ્રાફિક ફેરફારના આક્ષેપ | Allegations of demographic change in the residential scheme being constructed at Aslali Kheda

![]()
– અશાંતધારો લાગુ કરવા કલેક્ટરને રજૂઆત
– ચોક્કસ સમુદાયના વસવાટનો વિવાદ : પંચાયતની જમીન ખાનગી બિલ્ડર પાસે કઈ રીતે ગઈ તે માટે તપાસની માંગ
નડિયાદ : માતર તાલુકાના અસલાલી રોડ પર આકાર લઈ રહેલી નવી રહેણાંક યોજનામાં ચોક્કસ સમુદાયના લોકોના વસવાટને લઈને વિવાદ વકર્યો છે. સ્થાનિક રહેવાસીઓએ વસ્તીના માળખામાં ફેરફાર થવાની આશંકા સાથે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે.
ખેડા જિલ્લાના માતર તાલુકા હેઠળ આવતા અસલાલી ગામમાં શૈક્ષણિક સંસ્થાની સામેના ભાગમાં ડિવાઇન ઈન્ફ્રા અને ક્રાઉન રિયાલ્ટી દ્વારા નવી રેસીડેન્શિયલ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે, આ સ્કીમમાં અમદાવાદના જુહાપુરા, બાપુનગર અને ચાંદખેડા જેવા વિસ્તારોમાંથી ચોક્કસ સમુદાયના લોકોને વસાવવા માટેના પદ્ધતિસરના પ્રયાસો થઈ રહ્યા છે. હિન્દુ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં મોટા પાયે વસ્તી પરિવર્તન થવાથી ભવિષ્યમાં કોમી એકતા અને શાંતિ જોખમાય તેવી ભીતિ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વિવાદમાં જમીનની માલિકી અને તેના વેચાણના વ્યવહારો સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોની ચર્ચા મુજબ, જે જમીન પર હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે તે અગાઉ ગ્રામ પંચાયતની માલિકીની હોવાનું મનાય છે. આ સંજોગોમાં પંચાયતની જમીન ખાનગી બિલ્ડરો પાસે કઈ રીતે પહોંચી અને તેના મૂળ માલિકી હક્કોમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે ઊંડી તપાસ કરવાની માંગ ઉઠી છે. સોદાની કાયદેસરતા ચકાસવા માટે ગ્રામજનો દ્વારા તંત્ર પર દબાણ વધારવામાં આવ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ ષડયંત્ર હોવાની શંકા સેવવામાં આવી રહી છે.
વધતા જતા વિવાદને જોતા સ્થાનિકોએ આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી અશાંત વિસ્તાર અધિનિયમ એટલે કે ડિસ્ટર્બડ એરિયા એક્ટ લાગુ કરવાની માંગણી કરી છે. આ કાયદો લાગુ થવાથી મિલકતની લે-વેચ પર સરકારી નિયંત્રણ આવશે, જેનાથી વસ્તીના માળખામાં થતો અકુદરતી ફેરફાર અટકાવી શકાશે તેમ સ્થાનિકોનું માનવું છે. રજૂઆતકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સત્વરે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવતા સમગ્ર માતર પંથકમાં ચર્ચા જાગી છે.



