राष्ट्रीय

દેશમાં કાલથી ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ | Sale of CCTV cameras from Chinese companies banned in the country from tomorrow



– હિકવિઝન, ડેહુઆ,  ટીપી લિંક જેવી મોટી કંપનીઓને અસર થશે

– સીસીટીવી વેચતી કંપનીઓ માટે સ્ટાન્ડર્ડાઈઝેશન ટેસ્ટિંગ ક્વોલિટી  સર્ટિફિકેટ ફરજિયાત થતાં ચીની કંપનીઓને ફટકો પડશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સીસીટીવી કેમેરા માટે ૨૦૨૪માં નવો નિયમ બનાવ્યો હતો. એ વખતે સીસીટીવી કેમેરા વેચતી દરેક કંપનીને બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. 

આ સમયગાળામાં દરેક કંપનીએ સર્ટિફાઈડ લેબમાંથી સ્ટાન્ડર્ડાઈઝેશન ટેસ્ટિંગ ક્વોલિટી  સર્ટિફિકેટ લેવું જરૂરી હતું. ભારતમાં સીસીટીવી વેચતી ચીનની ટોચની કંપનીઓ આ માપદંડમાં ખરી ઉતરતી ન હોવાથી ૧લી એપ્રિલથી એ કંપનીઓનું સીસીટીવીનું વેચાણ બંધ થઈ જશે. નવા માપદંડ પ્રમાણે સીસીટીવી બનાવતી કંપનીઓએ સરકારને એ દર્શાવવું જરૂરી છે કે સીસીટીવીના પાર્ટ્સ કયા દેશમાં બને છે ને સીસીટીવી માટે ચિપ ક્યા દેશમાં તૈયાર થાય છે. ડિવાઈસનું ટેસ્ટિંગ માન્યતા પ્રાપ્ત લેબમાં થયું છે કે નહીં તે પણ બતાવવું જરૂરી છે. ૨૦૨૪ પહેલાં ભારતના માર્કેટમાં ચીની કંપનીઓ અને ભારતીય કંપનીઓની લગભગ બરાબરની હિસ્સેદારી હતી, પરંતુ નવા માપદંડ પછી ચીની કંપનીઓની હિસ્સેદારી ઘટી હતી.  સ્થાનિક કંપનીઓએ માર્કેટમાં પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું છે, કારણ કે સ્થાનિક કંપનીઓએ લેબ ટેસ્ટિંગનું સર્ટિફિકેટ રજૂ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ ચીની કંપનીઓના સીસીટીવી મોડલ માટે એવા સર્ટિફિકેટ લેવાયા ન હતા. હવે સ્થિતિ એવી આવી ચૂકી છે કે ૧લી એપ્રિલથી ચીનની ટોચની કંપનીઓ કે જે ભારતમાં સીસીટીવીનું વેચાણ કરે છે તેમાંથી હિકવિઝન, ડેહુઆ, ટીપી લિંક જેવી કંપનીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકાઈ જશે. આ કંપનીઓ ચીનની ચિપનો ઉપયોગ કરે છે. 

ભારતની સીસીટીવી કેમેરા બનાવતી કંપનીઓએ ૨૦૨૪ પછી તાઈવાનની ચિપ વાપરવાનું શરૂ કર્યું હતું. અહેવાલોમાં દાવો થયો એ પ્રમાણે ચીનની સીસીટીવી કંપનીઓને ચાઈનીઝ ચિપ વાપરતા હોવાના કારણે સર્ટિફિકેટ મળ્યાં નથી. જો આ કંપનીઓએ તાઈવાનમાં બનેલી ચિપ્સ વાપરવાનું શરૂ કર્યું હોત તો કદાચ તેમને સર્ટિફિકેટ મળી જાત. દેશની સુરક્ષા માટે વિદેશી કંપનીઓના સીસીટીવી માટે આ માપદંડ બનાવાયો હતો.

ચીનની કંપનીઓના સીસીટીવી પર પ્રતિબંધ મૂકાઈ જશે તેની અસર માર્કેટ પર થશે. ચીનની કંપનીઓ ભારતની કંપનીઓને ટક્કર આપીને સસ્તાં ભાવે સીસીટીવી વેચતી હતી, પરંતુ ચીનની કંપનીઓ સ્પર્ધામાં નહીં રહે એટલે સીસીટીવીની કિંમતોમાં થોડો ફરક પડે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આમ, સીધી રીતે ચીનની સીસીટીવી કંપનીઓ પર પ્રતિબંધ મૂકાયો નથી, પરંતુ સર્ટિફિકેટ મેળવવામાં નાકામ રહી હોવાથી આ કંપનીઓના વેચાણ પર અંકુશ લાગી જશે.



Source link

Related Articles

Back to top button