વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિયા | Vav Tharad News Cyber Fraud 18 thousand two farmers accounts Tharad Police Station

![]()
Cyber Fraud Case: વાવ-થરાદ પંથકમાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે વધુ બે ખેડૂત સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. થરાદના વડગામડા ગામના રહેવાસી વાઘાભાઈ રમેશભાઈ ચૌધરીના સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાના ખાતામાંથી અજાણ્યા શખ્સે ગેરકાયદે રીતે નાણાં ઉપાડી લેતા ખેડૂત મુશ્કેલીમાં મૂકાયો છે. બીજી તરફ અન્ય એક પ્રજાપતિ ખેડૂતના 10 હજાર રૂપિયા બૅન્કમાંથી કપાઈ ગયા હતા જેનો મેસેજ પણ આવ્યો ન હતો.
રૂ.8500/- કપાઈ ગયા!
ફરિયાદી વાઘાભાઈ ચૌધરી ગત તારીખ 29/03/2026ના રોજ બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા, ત્યારે અચાનક તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો કે તેમના SBI બૅન્ક ખાતામાંથી રૂ.8500/- કપાઈ ગયા છે. વાઘાભાઈએ કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કર્યો ન હોવા છતાં ખાતામાંથી રકમ કપાઈ જતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.
રવિવારે બૅન્ક બંધ હતી
તાત્કાલિક તેમણે બૅન્કનો સંપર્ક કર્યો હતો પણ રવિવારની રજા હોવાથી બૅન્ક બંધ હતી, જેથી આજે તારીખ 30/03/2026ના રોજ બૅન્ક મેનેજરનો સંપર્ક સાધતા તેઓને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા જણાવાયું હતું. જે અન્વયે ભોગ બનનાર ખેડૂતે સ્ટેટ સાયબર સેલ CID ક્રાઇમ ગાંધીનગર ખાતે ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે.’
100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો
બીજી તરફ એક પ્રજાપતિ ખેડૂત પણ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે કહ્યું છે કે SBIની YONO એપમાં ચેક કર્યું ત્યારે તેમને 10 હજારની રકમ કપાઈ હોવાની ખબર પડી. તેમને આ અંગેનો કોઈ મેસેજ આવ્યો ન હતો. દાવા મુજબ તેમના એકલાના નહીં પણ આ વિસ્તારના આશરે 100 જેટલા લોકોના ખાતામાંથી આ રીતે પૈસા ઉપડી ગયા છે. જ્યારે તેઓએ બૅન્કમાં તપાસ કરી, ત્યારે બૅન્ક અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે અને ઘણા લોકો તેના શિકાર બન્યા છે.
બંને ભોગ બનનારે પોલીસમાં લેખિત અરજી આપી પોતાની મહેનતની કમાણી ચોરી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને નાણાં પરત અપાવવા માગ કરી છે.



