दुनिया

અબજોનો ખર્ચ, લાખો નિર્દોષોના મોત અને અરાજકતા… જાણો અમેરિકાના 3 વિવાદાસ્પદ યુદ્ધનો ઈતિહાસ | Why America Loses Wars: Vietnam Iraq Afghanistan war Explained


From Vietnam to Kabul: Why America Wins Battles but Loses Wars | ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કેમ મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ નવા નિવેદનો સામે યુદ્ધમાં અસમંજસની સ્થિતિ પેદા કરી રહ્યા છે. ઈરાનનો દાવો છે કે અમેરિકા શાંતિનો દેખાડો કરીને પડદાં પાછળ અમારા ટાપુ પર સૈનિક ઉતારીને ઓઈલ કબજે કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકા ઈરાનની જમીન પર સેના ઉતારે તેવી શક્યતા વચ્ચે ઈરાનના નેતાઓ સામેથી કહી રહ્યા છે કે અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. તેહરાન ટાઈમ્સમાં ધમકી આપવામાં આવી છે કે ઈરાનની ધરા પર પગ મૂકનારા તમામ અમેરિકન સૈનિક કોફિનમાં પરત ફરશે. એવામાં અગાઉ અમેરિકાનો વિયેતનામ અને અફઘાનિસ્તાનમાં સેના ઉતારવાનો અમેરિકાનો નિર્ણય ચર્ચામાં છે. 

અબજોનો ખર્ચ, લાખો નિર્દોષોના મોત અને અરાજકતા... જાણો અમેરિકાના 3 વિવાદાસ્પદ યુદ્ધનો ઈતિહાસ 2 - image

વિયેતનામ યુદ્ધ: 1 નવેમ્બર 1955 થી 30 એપ્રિલ 1975 (લગભગ 20 વર્ષ)

દુનિયાની સૌથી શક્તિશાળી સેના હોવા છતાં વિયેતનામમાં 20 વર્ષ સુધી યુદ્ધ લડ્યા બાદ અમેરિકાએ ખાલી હાથ પાછા ફરવું પડ્યું હતું. આ લોહિયાળ યુદ્ધમાં અમેરિકાએ અબજો ડોલર ખર્ચ્યા અને હજારો સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. 

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી: સામ્યવાદ અને અને મૂડીવાદ ( સોવિયેત યુનિયન અને અમેરિકા ). વિયેતનામ પણ બે ભાગમાં વહેંચાયેલું હતું. ઉત્તર વિયેતનામમાં સામ્યવાદી નેતા હો ચી મિન્હ શાસન કરી રહ્યા હતા. તેમને ચીન અને રશિયાનું સમર્થન હતું. જ્યારે દક્ષિણ વિયેતનામના લોકોને અમેરિકા ટેકો આપી રહ્યું હતું. અમેરિકાને ડર હતો કે જો ઉત્તર વિયેતનામ જીતી જશે તો એશિયાના બીજા દેશોમાં પણ કોમ્યુનિસ્ટોનું રાજ આવી જશે. 

અબજોનો ખર્ચ, લાખો નિર્દોષોના મોત અને અરાજકતા... જાણો અમેરિકાના 3 વિવાદાસ્પદ યુદ્ધનો ઈતિહાસ 3 - image

હજારો સૈનિકો માર્યા ગયા, અબજો ડોલરનો ખર્ચ થયો… મળ્યું કશું નહીં 

વિયેતનામમાં અમેરિકાએ 1969માં 5,43,000 સૈનિકો ઉતાર્યા હતા. જેમાંથી 58,220 સૈનિકો શહીદ થયા. ઉત્તર વિયેતનામમાં 11 લાખથી વધુ લોકો અને લડવૈયાઓએ જીવ ગુમાવ્યા. અમેરિકાએ આ યુદ્ધમાં અંદાજે $168 બિલિયન ખર્ચ્યા (જેની આજની કિંમત $1 ટ્રિલિયન થી વધુ થાય છે).

પહેલું એવું યુદ્ધ જે ટીવી પર બતાવાયું 

અમેરિકા પાસે અત્યાધુનિક વિમાનો અને બોમ્બ હતા, પણ વિયેતનામ પાસે વ્યૂહનીતિ હતી. વિયેતનામના લડાકૂએ જેમને વિયેત કોંગ કહેવામાં આવતા, તેઓ ઘનઘોર જંગલોમાં છુપાઈને હુમલા કરતા અને જમીનની અંદર બનાવેલી લાંબી ટનલોમાં ગાયબ થઈ જતા. ઉત્તર વિયેતનામ જંગલો અને પહાડોના રસ્તે દક્ષિણ સુધી સપ્લાય પહોંચાડતું, જેને અમેરિકા ક્યારેય પૂરેપૂરું તોડી શક્યું નહીં આ પ્રથમ એવું યુદ્ધ હતું જે ટીવી પર દેખાડવામાં આવતું હતું. પોતાના સૈનિકોના મોત જોઈને અમેરિકી જનતાએ જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો.

તમે અમારા 10 માણસોને મારશો અને અમે તમારા 1 ને મારીશું, પણ અંતે તમે જ થાકી જશો અને હારશો. 

– હો ચી મિન્હ (ઉત્તર વિયેતનામના નેતા)

અમે ભયાનક ભૂલ કરી હતી… અમે દુશ્મનના મનોબળને સમજવામાં નિષ્ફળ રહ્યા.  

– રોબર્ટ મેકનામારા (તત્કાલીન અમેરિકન સેક્રેટરી ઓફ ડિફેન્સ)

30 એપ્રિલ 1975ના રોજ ઉત્તર વિયેતનામની સેનાએ દક્ષિણ વિયેતનામના પાટનગર સાયગોન પર કબજો કર્યો. દુનિયાએ એ ઐતિહાસિક દૃશ્ય જોયું જ્યારે અમેરિકન દૂતાવાસની છત પરથી હેલિકોપ્ટર દ્વારા લોકોએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. આજે વિયેતનામ એક સંયુક્ત કોમ્યુનિસ્ટ દેશ છે.

અફઘાનિસ્તાન યુદ્ધ (2001-2021): 2.3 ટ્રિલિયન ડોલરનો ધુમાડો અને અંતે તાલિબાનનો જ વિજય

9/11 આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ‘વોર ઓન ટેરર’ના નામે અફઘાનિસ્તાનમાં એન્ટ્રી કરી હતી. જે યુદ્ધ થોડા મહિનામાં પૂરું થવાનું હતું, તે અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ યુદ્ધ બની ગયું. 2021 માં જ્યારે અમેરિકન સૈનિકોએ કાબુલ છોડ્યું, ત્યારે દુનિયા સ્તબ્ધ હતી. અમેરિકાની સેના અફઘાનિસ્તાન છોડીને નીકળી ત્યારે તાલિબાને ફરી અફઘાનિસ્તાનના શાસન પર કબજો કરી લીધો. અમેરિકાની સેનાના કેટલાય હથિયાર પણ અફઘાનિસ્તાનમાં જ રહી ગયા. 

અબજોનો ખર્ચ, લાખો નિર્દોષોના મોત અને અરાજકતા... જાણો અમેરિકાના 3 વિવાદાસ્પદ યુદ્ધનો ઈતિહાસ 4 - image

અમેરિકાનો લાખો કરોડનો ખર્ચ થયો 

11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં છુપાયો હતો. તાલિબાને લાદેનને સોંપવાની ના પાડી, પરિણામે અમેરિકાએ ઓક્ટોબર 2001માં હુમલો કર્યો. માત્ર થોડા જ સપ્તાહમાં તાલિબાન સત્તા પરથી ફેંકાઈ ગયું અને કાબુલમાં નવી લોકશાહી સરકાર બની. બ્રાઉન યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ, આ યુદ્ધમાં અમેરિકાએ 2.313 ટ્રિલિયન ડોલર એટલે કે આશરે 190 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા. 

અબજોનો ખર્ચ, લાખો નિર્દોષોના મોત અને અરાજકતા... જાણો અમેરિકાના 3 વિવાદાસ્પદ યુદ્ધનો ઈતિહાસ 5 - image

હજારો લોકો માર્યા ગયા પણ છેલ્લે તો તાલિબાન જ પરત ફર્યું 

આ યુદ્ધમાં અમેરિકાના 2,400થી વધુ સૈનિકો માર્યા ગયા જ્યારે 20 હજારથી વધુ ઈજાગ્રસ્ત થયા. અમેરિકાના આ યુદ્ધમાં અફઘાનિસ્તાનના 47 હજારથી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા. 66થી 92 હજાર અફઘાન જવાનો માર્યા ગયા. અમેરિકાએ અફઘાન સરકારને અબજો ડોલર આપ્યા, પણ તે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યા નહીં. અફઘાન સેના માત્ર કાગળ પર મજબૂત હતી. બીજી તરફ પાકિસ્તાન સતત તાલિબાનને આશ્રય આપતું રહ્યું. 

હું અમેરિકાની બીજી પેઢીને આ યુદ્ધમાં મોકલવા તૈયાર નથી. આ યુદ્ધ ક્યારેય જીતી શકાય તેમ નહોતું.

– જો બાઈડેન ( અમેરિકાના તત્કાલીન પ્રમુખ ) 

‘અમેરિકા પાસે ઘડિયાળ છે, પણ અમારી પાસે સમય છે….’, તાલિબાનનું આ વાક્ય અમેરિકાની હારનું સૌથી મોટું કારણ ગણાય છે. 

ઓગસ્ટ 2021- અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું અને તાલિબાન ફરી સત્તામાં આવ્યું 

જ્યારે અમેરિકાએ પોતાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી, ત્યારે તાલિબાને માત્ર 10 દિવસમાં આખા દેશ પર કબજો કરી લીધો. કાબુલ એરપોર્ટ પરથી અમેરિકાના સૈન્ય જહાજ ટેક ઓફ કરી રહ્યા હતા ત્યારે ત્યારે અફઘાનિસ્તાનના લોકો તેના પૈડાં પર લટકતા જોવા મળ્યા. તે દૃશ્યો એટલા ભયાનક હતા કે, જો આજે કોઈ એ જુએ તો એવું જ સમજી લે કે આ AI વીડિયો છે. 

આજે પણ અફઘાનિસ્તાન ગ્રેવયાર્ડ ઓફ એમ્પાયર્સ એટલે કે સામ્રાજ્યોના કબ્રસ્તાન તરીકે ઓળખાય છે. 

ઈરાક યુદ્ધ (2003-2011): અમેરિકાના હુમલા બાદ આજ સુધી શાંતિ સ્થાપી શકાઈ નથી

2003માં અમેરિકાએ દાવો કર્યો કે ઈરાક પાસે WMD એટલે કે ‘સામૂહિક વિનાશના હથિયારો’ છે. અમેરિકાને સદ્દામ હુસૈનને સત્તા પરથી હટાવવામાં તો સફળતા મળી, પણ તે હથિયારો ક્યારેય મળ્યા નહીં. પરિણામે, ઈરાક આજે પણ હિંસા અને આતંકવાદની આગમાં બળી રહ્યું છે. 20 માર્ચ 2003ના રોજ અમેરિકા અને તેના સાથી દેશોએ ઈરાક પર ભયાનક બોમ્બમારો શરૂ કર્યો, જેને નામ આપવામાં આવ્યું- 20 માર્ચ Shock and Awe. યુદ્ધ પછી વર્ષો સુધી તપાસ ચાલી પણ ઈરાકમાં કોઈ WMD મળ્યા નહીં. આ અમેરિકાની ઈન્ટેલિજન્સની સૌથી મોટી નિષ્ફળતા ગણાય છે.

અબજોનો ખર્ચ, લાખો નિર્દોષોના મોત અને અરાજકતા... જાણો અમેરિકાના 3 વિવાદાસ્પદ યુદ્ધનો ઈતિહાસ 6 - image

હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો કરોડનો ખર્ચ 

2003થી 2011 સુધી ચાલેલા આ યુદ્ધમાં અમેરિકાએ 1,60,000 સૈનિકો તૈનાત કર્યા હતા. અમેરિકાના 32,000 સૈનિકો ઘાયલ થયા જ્યારે 4,492ના મોત થયા. આ યુદ્ધમાં હિંસા તથા અરાજકતામાં ઈરાકના દોઢ લાખથી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા. યુદ્ધ પાછળ અમેરિકાને આશરે 815 બિલિયન ડોલરનો ખર્ચ થયો. 1,50,000 થી 6,00,000 ઈરાકી નાગરિકો હિંસા અને અરાજકતામાં માર્યા ગયા હોવાનો અંદાજ છે. જો કે વિવિધ રિસર્ચમાં આ ખર્ચ બે ટ્રિલિયન ડોલરને પાર ગયાનો પણ દાવો છે.

અબજોનો ખર્ચ, લાખો નિર્દોષોના મોત અને અરાજકતા... જાણો અમેરિકાના 3 વિવાદાસ્પદ યુદ્ધનો ઈતિહાસ 7 - image

યુદ્ધની અરાજકતા વચ્ચે ISISનો ઉદય થયો

સદ્દામ હુસૈનને 2006માં ફાંસી આપવામાં આવી. સદ્દામના ગયા પછી ઈરાકમાં શિયા અને સુન્ની જૂથો વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયો. આ અસ્થિરતાનો ફાયદો ઉઠાવીને પાછળથી ISIS જેવા ભયાનક આતંકી સંગઠનનો ઉદય થયો. 

અમેરિકા અને બ્રિટેન એવું વિચારે છે કે તેઓ દુનિયાના પોલીસમેન છે. 

– નેલ્સન મંડેલા

આ ત્રણેય યુદ્ધને સારી રીતે સમજવા જોવા જેવી ફિલ્મ/ડોક્યુમેન્ટરી

1. The Vietnam War (Ken Burns)

2. Turning Point 

3. Official Secrets



Source link

Related Articles

Back to top button