VIDEO: પાકિસ્તાનના ડેપ્યુટી PM સ્ટેજ પર પટકાયા, ઈજિપ્તના વિદેશ મંત્રી સાથે ફોટો પડાવવા જતી વખતે બની ઘટના | pakistan deputy pm ishaq dar slipped fell on stage viral video

![]()
Ishaq Dar Slipped Viral Video: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતા માટે દલાલ બન્યું છે. આજે 29 માર્ચના રોજ આ મુદ્દે સાઉદી અરેબિયા, તુર્કીયે અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ ઇસ્લામાબાદ પહોંચ્યા છે. બેઠક પહેલા પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર અને ઇજિપ્તના વિદેશ મંત્રી બદ્ર અહેમદ મોહમ્મદ અબ્દેલત્તીનું ફોટો સેશન થવાનું હતું, પરંતુ જેવા ડાર ફોટો પડાવવા માટે આગળ વધે છે, તેમનો પગ લપસી જાય છે અને તેઓ મંચ પર પહોંચતા જ ધડામ દઈને પડી જાય છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે પાકિસ્તાની વિદેશ મંત્રી ડાર ઇજિપ્તના વિદેશ મંત્રી બદ્ર અહેમદ મોહમ્મદ અબ્દેલત્તી સાથે વાર્તાલાપ પહેલા ઝંડા પાસે ફોટો ખેંચાવવા માટે જેવા આગળ વધે છે, તેમનું બેલેન્સ બગડી જાય છે અને તેઓ લપસીને જમીન પર પડી જાય છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ દંગ રહી જાય છે. ડારના પડતા જ ત્યાં હાજર લોકો તેમને ઉભા કરવા આગળ આવે છે.
બાદમાં હસતાં જોવા મળ્યા ડાર
વીડિયોના ફૂટેજ પરથી જાણવા મળી રહ્યું છે કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ તરત જ ઉભા થયા બાદ ફરીથી ઇજિપ્તના વિદેશ મંત્રી સાથે ફોટો પડાવ્યો હતો. આ દરમિયાન તેઓ હસતા જોવા મળ્યા હતા.
ઈરાન યુદ્ધને લઈને પાકિસ્તાનમાં બેઠક
ઉલ્લેખનીય છે કે મધ્ય પૂર્વમાં તણાવ અંગે ચર્ચા કરવા માટે પાકિસ્તાનમાં આ બેઠકનું આયોજન 29 અને 30 માર્ચના રોજ થવા જઈ રહ્યું છે. સાઉદી અરેબિયા, તુર્કીયે અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓની પાકિસ્તાનમાં આ બેઠક દરમિયાન ઈરાન પર અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે વિસ્તારમાં ચાલી રહેલા તણાવને ઓછો કરવાના પ્રયાસો સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થશે.
આ પહેલા વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું હતું કે, ઈરાન પાકિસ્તાની ધ્વજ ધરાવતા વધુ 20 જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવા માટે સંમત થયું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ‘મને આ સારા સમાચાર જણાવતા આનંદ થાય છે કે ઈરાન સરકાર પાકિસ્તાની ધ્વજ હેઠળ વધુ 20 જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવા માટે સંમત થઈ છે. દરરોજ બે જહાજો સ્ટ્રેટમાંથી પસાર થશે. આ ઈરાનનું એક સારું પગલું છે અને પ્રશંસાને પાત્ર છે. આ શાંતિનો સંકેત છે અને આ વિસ્તારમાં સ્થિરતા લાવવામાં મદદ કરશે.’



