મહાયુદ્ધના ભણકારાં, 3500થી વધુ સૈનિકો સાથે અમેરિકાનું યુદ્ધજહાજ USS ત્રિપોલી ઓપરેશન ઝોનમાં પહોંચ્યું | US Deploys USS Tripoli & 3500 Troops to Middle East Amid Rising Iran Conflict

![]()
USS Tripoli News : મિડલ ઈસ્ટમાં ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, અત્યાધુનિક યુદ્ધજહાજ USS ત્રિપોલી તેના નિર્ધારિત ઓપરેશનલ ઝોનમાં પહોંચી ગયું છે. આ જહાજ પર આશરે 2500 મરીન સૈનિકો સવાર છે અને તે F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ જેવા એડવાન્સ એરક્રાફ્ટ ઓપરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય અન્ય એકમો સાથે કુલ 3500થી વધુ સૈનિકો આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ શાંતિ શાંતિની વાતો કરીને તેમનું આ જહાજ અને સૈનિકો પહોંચવાની રાહ જોતા હતા તેવા દાવા અનેક રિપોર્ટમાં કરાયા હતા.
ઓપરેશન એપિક ફ્યુરી: 11000થી વધુ ઠેકાણાઓ પર હુમલા
અમેરિકા દ્વારા 28 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ અત્યાર સુધીમાં ઈરાન અને તેના સમર્થિત સંગઠનોના 11000થી વધુ ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. યુદ્ધની ગંભીરતા ત્યારે વધી જ્યારે ઈરાને સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ પર બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો, જેમાં 10 અમેરિકન સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
વૈશ્વિક વેપાર પર સંકટના વાદળો
આ જંગમાં હવે યમનના હૂતી વિદ્રોહીઓએ પણ ઝંપલાવ્યું છે. હૂતીઓએ ઇઝરાયેલ તરફ મિસાઈલો દાગતા બાબ-અલ-મંડેબ અને સુએઝ નહેર જેવા મહત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લગભગ બંધ હોવાને કારણે વિશ્વના દેશોએ વૈકલ્પિક રસ્તાઓ શોધવા પડી રહ્યા છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને એવિએશન સેક્ટર પર પડી રહી છે.
રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ
અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફ દ્વારા યુદ્ધવિરામ (Ceasefire) માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર રોક અને દરિયાઈ માર્ગો ખોલવાની શરત હતી. જોકે, ઈરાને આ પ્રસ્તાવ ફગાવી દીધો છે અને બદલામાં ભારે વળતર તથા પોતાની સંપ્રભુતાની માન્યતાની માંગ કરી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા જમીની સૈનિકો ઉતાર્યા વગર લક્ષ્યો હાંસલ કરવા માંગે છે, પરંતુ પરિસ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે.



