યુદ્ધની આગ હવે યુનિવર્સિટીઓ સુધી: ઈરાનની ધમકી- US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો, ગમે ત્યારે થશે હુમલો | iran accuses us israel of targeting universities warns of retaliation

Iran accuses US Israel targeting universities: ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેહરાનની ‘યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી’ અને ઇસ્ફહાનની ‘ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટૅક્નોલૉજી’ પર થયેલા હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ વળતો પ્રહાર કરવાની સોગંદ ખાધી છે. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓ દ્વારા ઈરાનનો વૈજ્ઞાનિક પાયો અને તેની સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું છે.
IRGCની ખુલ્લી ચેતવણી
IRGCએ ચેતવણી આપી છે કે હવે ઈઝરાયલની યુનિવર્સિટીઓ અને પશ્ચિમ એશિયાના આરબ દેશોમાં આવેલી અમેરિકા સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ તેમના મુખ્ય નિશાન પર રહેશે. ઈરાની ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, IRGCએ આ યુનિવર્સિટીઓના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને જીવ બચાવવા માટે કેમ્પસથી ઓછામાં ઓછા એક કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ અને રિસર્ચ સેન્ટરો પરના હુમલા ઈરાનના ભવિષ્યને નબળું પાડવાનો પ્રયાસ છે.
શાળા પર હુમલો અને માનવતાના ગુના
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ દક્ષિણ ઈરાનના મીનાબ શહેરમાં આવેલી ‘શજારેહ તૈયબેહ પ્રાઈમરી સ્કૂલ’ પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે. આ હુમલામાં આશરે 170 માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં બોલતા તેમણે આ ઘટનાને ‘વોર ક્રાઈમ'(યુદ્ધ અપરાધ) અને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં સ્થિત ઈરાની દૂતાવાસે અમેરિકન નૌકાદળના બે અધિકારીઓના નામ જાહેર કરતા દાવો કર્યો છે કે તેમના આદેશ પર જ આ શાળા પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.
શિક્ષણ ક્ષેત્રે મોટું નુકસાન
ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીના યુદ્ધમાં ઈરાનની ઓછામાં ઓછી 600 શૈક્ષણિક સંસ્થાઓને ભારે નુકસાન થયું છે અથવા તે સંપૂર્ણપણે નાશ પામી છે. ઈરાનના સરકારી અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને બહાનું બનાવીને ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક વારસાને જાણીજોઈને નષ્ટ કરવામાં આવી રહ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાઓનો જવાબ ખૂબ જ મક્કમતાથી આપવામાં આવશે.




