સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર: લેઝર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર | sou laser show and narmada arti new timings 1 april 2026

![]()
Statue of Unity Timings: નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SoU) ખાતે આવતા પ્રવાસીઓ માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી પહેલી એપ્રિલ 2026થી પ્રોજેક્શન મેપિંગ (લેઝર શો) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુની શરૂઆત થતાં દિવસ લાંબો થયો છે, જેના કારણે સાંજે 7:15 કલાકે સૂર્યપ્રકાશ વધુ હોવાથી લેઝર શોની સ્પષ્ટતા પર અસર પડતી હતી. પ્રવાસીઓ આ ભવ્ય શોનો પૂરો આનંદ માણી શકે તે હેતુથી સત્તામંડળ દ્વારા સમય લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવું ટાઈમટેબલ પહેલી એપ્રિલથી અમલી
પ્રોજેક્શન મેપિંગ (લેઝર શો): હવે સાંજે 07:30 કલાકે શરૂ થશે (જૂનો સમય 07:15 હતો).
નર્મદા મહાઆરતી: હવે સાંજે 08:15 કલાકે યોજાશે (જૂનો સમય 08:00 હતો).
આધ્યાત્મિકતાનો અનોખો સંગમ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ગોરા ઘાટ પર આયોજિત થતી નર્મદા મહાઆરતી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કાશીની ગંગા આરતીની તર્જ પર યોજાતી આ આરતીમાં ભક્તો મા નર્મદાની સ્તુતિ અને વંદના કરે છે. જ્યારે સેંકડો દીવાઓ અને મંત્રોચ્ચાર સાથે નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવે છે, ત્યારે વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે. લેઝર શો જોયા બાદ પ્રવાસીઓ આ શાંત અને દિવ્ય અનુભવનો લાભ લઈ શકે તે માટે જ આરતીનો સમય પણ તે મુજબ ગોઠવવામાં આવ્યો છે.
પ્રવાસીઓ માટે ખાસ સૂચના
જે પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય અથવા મુલાકાતનું આયોજન કર્યું હોય, તેમણે આ નવા સમયની નોંધ લેવી. આ સિવાય વહીવટી તંત્ર દ્વારા લેઝર શો નિહાળવા માટે નિર્ધારિત સ્થળે સમયસર પહોંચી જવા વિનંતી કરાઈ છે, જેથી છેલ્લી ઘડીની ભીડથી બચી શકાય.



