ઝેલેન્સ્કી મિડલ ઈસ્ટના પ્રવાસે જતાં જ રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 270 ડ્રોન વડે હુમલો, 5 મોત | russia attack ukraine 5 killed

![]()
Russia attack on Ukrian : રશિયાએ સમગ્ર રાત યુક્રેન પર 270 થી વધારે ડ્રોનથી હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા હતાં તેમ યુક્રેનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ દરમિયાન યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ અચાનક યુએઇનો પ્રવાસ કર્યો છે. યુક્રેન અરબ દેશોને ઇરાનનાં હુમલાઓથી બચાવવામાં મદદ કરવા માટે પોતાની ડ્રોન ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ ઉપલબ્ધ કરાવવા માંગે છે.
ઓડેસાના વડા સેરહી લિસાકે જણાવ્યું હતું કે રાતના સમયે રશિયાએ કરેલા હુમલામાં ઓડેસામાં બે લોકોનાં મોત થયા છે અને અન્ય 11 લોકો ઘાયલ થયા છે.
સેરહી લિસાકનાં ટેલિગ્રામ પોસ્ટ અનુસાર આ હુમલામાં કાળા સમુદ્રનાં આ પ્રમુખ પોર્ટ શહેરમાં એક મેટરનિટી હોસ્પિટલ અને કેટલાક મકાનોને નુકસાન થયું છે.
યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ મોટા હુમલામાં 60 થી વધારે ડ્રોન સામેલ હતાં. તેમણે શનિવારે એક્સ પર જણાવ્યું હતું કે ગઇકાલ રાતે રશિયાએ ઓડેસા પર મોટો હુમલો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે તેનો કોઇ સૈન્ય ઉદ્દેશ ન હતો. આ સામાન્ય નાગરિકોનાં જીવનની વિરુદ્ધ સંપૂર્ણ રીતે આતંક હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોર્ટ અને મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે વ્યવસાયિક પરિસરોને પણ નુકસાન થયું છે.
યુક્રેનનાં એરફોર્સ અનુસાર રશિયાએ સમગ્ર રાત દરમિયાન 273 ડ્રોન છોડયા હતાં જેમાંથી ૨૫૨ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતાં.



