રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raymond Group chief and Padma Bhushan recipient Vijaypat Singhania dies at 87

![]()
Vijaypat Singhania Passes Away: ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગના દિગ્ગજ અને પ્રસિદ્ધ ‘રેમન્ડ ગ્રુપ’ના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું આજે (28 માર્ચ) 87 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ઉદ્યોગ જગત સાથે જોડાયેલા હતા અને દેશના જાણીતા ઉદ્યોગપતિઓમાંના એક હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશના ઉદ્યોગ જગતમાં અને સોશિયલ મીડિયા પર શોકની લાગણી ફેલાઈ છે. અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
ઉદ્યોગ જગતમાં યોગદાન, પદ્મભૂષણથી સન્માનિત
વિજયપત સિંઘાનિયાએ રેમન્ડ ગ્રુપને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વ હેઠળ રેમન્ડ ભારતની સૌથી મોટી અને લોકપ્રિય ફેબ્રિક બ્રાન્ડ તરીકે ઉભરી આવી હતી. વ્યાપાર ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મભૂષણ’ થી નવાજવામાં આવ્યા હતા.
તેઓ માત્ર એક સફળ બિઝનેસમેન જ નહીં, પરંતુ એક સાહસિક પાયલોટ પણ હતા. તેમણે વર્ષ 2005માં સૌથી વધુ ઊંચાઈ પર હોટ એર બલૂન ઉડાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે લંડનથી દિલ્હી સુધી સોલો ફ્લાઈટ (એકલા વિમાન ઉડાવવાનું) સાહસ પણ કર્યું હતું.
પારિવારિક વિવાદોની ચર્ચા
જીવનના અંતિમ વર્ષોમાં તેઓ તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા સાથેના પારિવારિક વિવાદ અને મિલકત સંબંધિત કાનૂની લડાઈને કારણે પણ અવારનવાર સમાચારમાં રહ્યા હતા. જોકે, ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં તેમનું નામ હંમેશા એક વિઝનરી લીડર તરીકે લેવામાં આવશે.


