गुजरात

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને છે રોજ | Gandhinagar News LPG Crisis Adalaj Manekba Institute Biogas Plant


Gandhinagar News: દેશભરમાં જ્યારે રાંધણ ગેસ (LPG)ના ભાવ અને તેની ઉપલબ્ધતાને લઈને ચર્ચાઓ ચાલતી હોય છે, ત્યારે ગાંધીનગર પાસે આવેલા અડાલજની એક શૈક્ષણિક સંસ્થાએ આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે. અડાલજની શ્રીમતી માણેકબા વિનય વિહાર સંસ્થા આજે રસોઈ ગેસ મામલે સંપૂર્ણપણે ‘આત્મનિર્ભર’ બની ગઈ છે, જેને LPGની તંગીની કોઈ અસર થતી નથી.

મહિને 30 સિલિન્ડરની બચત અને ‘ઝીરો’ ગેસ બિલ

અડાલજમાં વસુમતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંકુલમાં 250 જેટલી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહે છે. સામાન્ય રીતે આટલી મોટી સંખ્યામાં રસોઈ બનાવવા માટે મહિને આશરે 30 જેટલા LPG સિલિન્ડરની જરૂર પડે, પરંતુ આ સંસ્થા અત્યારે એક પણ સિલિન્ડર વાપરતી નથી.

સંસ્થાના મેનેજર રાહુલ પટેલે જણાવ્યું કે, “અમારી પાસે 222 ગાયોની ગૌશાળા હોવાથી પૂરતા પ્રમાણમાં છાણ મળી રહે છે. સરકારની GEDA યોજનાની મદદથી અમે 45 ઘનમીટરની ક્ષમતાવાળા બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા છે. હવે 250 વિદ્યાર્થિનીઓ અને સંકુલમાં રહેતા 15 પરિવારોની રસોઈ આ ગેસ પર જ બને છે.”

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને છે રોજ 2 - image

બમણો ફાયદો: મફત ગેસ અને જૈવિક ખાતર

LPGની તંગી સામે રક્ષણ મેળવવાની સાથે આ સંસ્થાને બમણો ફાયદો થઈ રહ્યો છે. વર્ષે અંદાજે 360થી વધુ સિલિન્ડરનો ખર્ચ બચી રહ્યો છે. બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી (કાદવ)નો ઉપયોગ સંસ્થાના ખેતરોમાં ખાતર તરીકે કરાય છે, જેનાથી રાસાયણિક ખાતરનો ખર્ચ પણ બચે છે.

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને છે રોજ 3 - image

GEDA દ્વારા 193 સંસ્થાઓને સ્વાવલંબી બનાવવામાં આવી

ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 193 જેટલી સંસ્થાઓમાં આવા પ્લાન્ટ સ્થપાયા છે. જેની કુલ ક્ષમતા 13955 ઘનમીટર પ્રતિ દિવસ છે. આગામી વર્ષ 2026-27માં વધુ 60 પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે, જેથી વધુ સંસ્થાઓ LPG પરની નિર્ભરતા ઘટાડી શકે.

સબસિડીની વિગત

સરકાર દ્વારા બિનનફાકીય સંસ્થાઓને પ્લાન્ટ સ્થાપવા માટે 75% સુધીની સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે શૈક્ષણિક સંસ્થાઓ, ગૌશાળાઓ અને પાંજરાપોળો ઉર્જાના ક્ષેત્રમાં સ્વાવલંબી બને અને બજારમાં આવતી ગેસની તંગી કે ભાવવધારાથી સુરક્ષિત રહે.

શું તમે જાણો છો?

અડાલજની માણેકબા સંસ્થા જો બાયોગેસ ન વાપરતી હોત, તો અત્યારના LPG ભાવ મુજબ તેમણે દર વર્ષે અંદાજે ₹3.0 થી 3.5 લાખ (360 સિલિન્ડરના અંદાજે) માત્ર રસોઈ ગેસ પાછળ ખર્ચવા પડ્યા હોત. આજે આ રકમની બચત કરીને સંસ્થા વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ વાપરી રહી છે.

કોને મળે યોજનાનો લાભ અને કેવી રીતે?

ગુજરાત સરકારની આ ‘સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના’નો લાભ રાજ્યમાં નોંધાયેલી બિન-નફાકારક સંસ્થાઓ, ટ્રસ્ટ, ગૌશાળાઓ, પાંજરાપોળ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને છાત્રાલયો લઈ શકે છે. ખાસ કરીને એવી સંસ્થાઓ જેમની પાસે પોતાનું પશુધન હોય અથવા રસોડાનો જૈવિક કચરો મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય, તેઓ આ ઉર્જા સ્વાવલંબન અભિયાનમાં જોડાઈ શકે છે. આ યોજના હેઠળ પ્લાન્ટની ક્ષમતા મુજબ આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં બિન-નફાકીય સંસ્થાઓને કુલ ખર્ચના 75% સુધી અને નફાકીય સંસ્થાઓને 50% સુધીની માતબર સબસિડી મળવાપાત્ર છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે?

આ યોજનાનો લાભ લેવા માટે સંસ્થાઓએ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) નો સંપર્ક કરવાનો રહે છે. GEDA દ્વારા દર વર્ષે કેટલીક એજન્સીઓને માન્યતા (Empaneled) આપવામાં આવે છે, જે સંસ્થાના સ્થળની મુલાકાત લઈ પશુધનની સંખ્યા અને ગેસની જરૂરિયાત મુજબ પ્લાન્ટનું કદ નક્કી કરવામાં મદદ કરે છે. જરૂરી દસ્તાવેજો સાથે અરજી કર્યા બાદ, GEDA દ્વારા વહીવટી મંજૂરી મળતા જ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. પ્લાન્ટ કાર્યરત થયા બાદ નિયમોનુસાર સબસિડીની રકમ ચૂકવવામાં આવે છે, જેનાથી સંસ્થા લાંબા ગાળે રાંધણ ગેસના ખર્ચમાંથી મુક્તિ મેળવી શકે છે.





Source link

Related Articles

Back to top button