પંચમહાલ LCBની મોટી કાર્યવાહી, મકાઈની બોરીઓની આડમાં લઈ જવાતો લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Panchmahal LCB Seizes Liquor Hidden in Maize Sacks in Major Crackdown

![]()
Liquor Seizure In Panchmahal: પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ દારૂબંધીના અમલ માટે બાતમીના આધારે મોરવા હડફ તાલુકાના સાલીયા નજીકથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. તસ્કરો દ્વારા મકાઈની બોરીઓની આડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક લઈ જવાતો દારૂનો જથ્થો પકડી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે તપાસ કરી
મળતી માહિતી અનુસાર, પંચમહાલ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે દાહોદથી ગોધરા તરફ આવી રહેલી એક ટ્રકમાં મકાઈની બોરીઓની નીચે વિદેશી દારૂ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે સાલીયા નજીક દાહોદ-ગોધરા હાઈવે પર વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. શંકાસ્પદ ટ્રક આવતા જ તેને ઊભી રખાવીને તપાસ કરવામાં આવી હતી.
મકાઈની બોરીઓ નીચેથી નીકળ્યો દારૂ જથ્થો
પોલીસે જ્યારે ટ્રકની પાછળના ભાગે તપાસ કરી ત્યારે પ્રથમ દ્રષ્ટિએ માત્ર મકાઈની બોરીઓ જ નજરે પડી હતી. જોકે, ઊંડાણપૂર્વક તપાસ કરી બોરીઓ હટાવતા જ પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. મકાઈની બોરીઓના નીચેના ભાગે વિદેશી દારૂનો મોટો જથ્થો વ્યવસ્થિત રીતે ગોઠવેલો હતો. પોલીસે ગણતરી કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 9,360 બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે 28.69 લાખ રૂપિયાનો દારૂ અને દારૂની હેરાફેરીમાં વપરાયેલી ટ્રક સહિત કુલ 39.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકચાલક ઈરફાનખાન સલીમખાનને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલે મોરવા હડફ પોલીસ મથકે ટ્રકચાલક સહિત બે શખસો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.



