‘નેક્સ્ટ ટારગેટ ક્યુબા…’ ટ્રમ્પે કહ્યું – હું તેને આઝાદ કરાવીશ કાં પછી એના પર કબજો કરી લઈશ | Trump Targets Cuba After Iran & Venezuela: “Will Liberate or Take Control”

![]()
Donald Trump on Cuba : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજનીતિમાં વધુ એક મોરચો ખોલવાના સંકેત આપ્યા છે. મિયામીમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઈરાન અને વેનેઝુએલા બાદ હવે ‘ક્યુબાનો વારો છે’. ટ્રમ્પના આ નિવેદનથી કેરેબિયન દેશમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની ધમકી
ટ્રમ્પે પોતાની સૈન્ય તાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે એક વિશાળ સેના બનાવી છે. જોકે તેઓ સેનાના ઉપયોગના પક્ષમાં નથી, પણ ક્યારેક તેનો ઉપયોગ કરવો પડે છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે તેમની પાસે ક્યુબા સાથે ‘કંઈ પણ’ કરવાની ક્ષમતા છે. તેઓ ક્યુબાને “આઝાદ” કરવા અથવા તેના પર “કબજો” કરવાનું સન્માન મેળવવા માંગે છે. ટ્રમ્પે ક્યુબાની સ્થિતિને ‘ફ્રેન્ડલી ટેકઓવર’ (મૈત્રીપૂર્ણ અધિગ્રહણ)ની સંભાવના તરીકે પણ ગણાવી છે.
ક્યુબામાં ઘેરી આર્થિક કટોકટી
વેનેઝુએલામાં નિકોલસ માદુરોની સત્તા ગયા બાદ ક્યુબા અત્યારે ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. વેનેઝુએલા લાંબા સમયથી ક્યુબાને બળતણ પૂરું પાડતું હતું, જે હવે બંધ થઈ ગયું છે. આના કારણે ક્યુબામાં વીજ કાપ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે.
ડિપ્લોમેસી અને દબાણની રાજનીતિ
એક તરફ ટ્રમ્પ તીખા નિવેદનો આપી રહ્યા છે, તો બીજી તરફ રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીત પણ ચાલુ છે. અમેરિકાનું મુખ્ય લક્ષ્ય ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કાનેલને પદ પરથી હટાવવાનું છે. હાલમાં હવાના (ક્યુબાની રાજધાની) અમેરિકા સાથે સીધા સૈન્ય સંઘર્ષથી બચવા માટે મંત્રણાની કોશિશ કરી રહ્યું છે.



