સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે નિકંદન,તંત્ર બેદરકાર | 12 trees were uprooted in the Science City area

![]()
અમદાવાદ,શુક્રવાર,27
માર્ચ,2026
અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં કેઆઈસીટી કોમ્પ્યુટર
કલાસીસ દ્વારા તેના કલાસીસની જાહેરાત દેખાય એ માટે ૧૨ જેટલા ૩૦ વર્ષ જુના ઘટાદાર
વૃક્ષોનુ નિકંદન કાઢી નંખાયુ.ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે આ
કલાસીસના સંચાલકને ૧૨વૃક્ષ સામે ૧૨૦ વૃક્ષ ઉગાડવા તથા ૩.૨૪ લાખ વહીવટી દંડ ભરવા
નોટિસ અપાઈ છે.કેટલુ પાલન થશે તે તંત્રને પણ ખબર નથી.૧૫ વર્ષમાં શહેરમાં ૧૫ હજાર
વૃક્ષોનુ ટોચના ભાગેથી ગેરકાયદે નિકંદન કાઢી નાંખવામા આવ્યુ તેમ છતાં મ્યુનિસિપલ
તંત્રે આંખ આડા કાન કરી બેદરકારી પ્રદર્શિત કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે
કરેલા દાવા મુજબ, ગોતા
વોર્ડમાં કે.આઈ.સી.ટી.કોમ્પ્યુટર એજયુકેશન કલાસીસ સી-૨૦૭ અઝોન સોલીટર નામના
કોમર્શિયલ બિલ્ડિંગમાં ચલાવવામા આવી રહયા છે.આ કલાસીસના સંચાલક દ્વારા તેમના
કલાસીસની જાહેરાત દેખાય એ માટે પૂર્વ મંજુરી વગર ૧૨ વૃક્ષોનુ નિકંદન કાઢી નાંખ્યુ
હતુ. આ બાબત ધ્યાનમા આવતા પર્યાવરણને કરવામા આવેલા નુકસાન પેટે પ્રતિ વૃક્ષ દીઠ રુપિયા
એક હજાર દંડ ઉપરાંત રુપિયા એક હજાર વહીવટી ચાર્જ તથા ૧૨૦ વૃક્ષ ઉગાડવા રુપિયા
૩૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી લેવાની સાથે ૩.૨૪ લાખ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
જમા કરાવવા નોટિસ આપવામા આવી છે. કોર્પોરેશનના ગાર્ડન વિભાગના સ્ટાફ ઉપરાંત ઝોન
તથા વોર્ડ કક્ષાએ મોટી સંખ્યામાં ઈન્સપેકટરથી લઈ ઉચ્ચ અધિકારીઓને ૧૨ વૃક્ષ કપાઈ
ગયા ત્યાં સુધી દેખાયુ નહીં એ વાત કોઈ માની ના શકે. વાસ્તવિકતા એ છે કે, તંત્રની
મિલીભગતથી જ શહેરમાં ગ્રીન કવર વધારવાની
સુફીયાણી વાત વચ્ચે નિરંતર ગેરકાયદેસર વૃક્ષો કપાતા જ રહે છે.
શહેરમાં કયા વર્ષમાં કેટલા વૃક્ષો ગેરકાયદે કપાયા
વર્ષ વૃક્ષની
સંખ્યા
૨૦૧૦-૧૧ ૫૯૧
૨૦૧૧-૧૨ ૭૮૯
૨૦૧૨-૧૩ ૬૪૮
૨૦૧૩-૧૪ ૯૯૨
૨૦૧૪-૧૫ ૧૬૨
૨૦૧૫-૧૬ ૧૦૯
૨૦૧૬-૧૭ ૭૭૧
૨૦૧૭-૧૮ ૧૬૯૧
૨૦૧૮-૧૯ ૧૯૧૬
૨૦૧૯-૨૦ ૧૬૧૯
૨૦૨૦-૨૧ ૮૩૮
૨૦૨૧-૨૨ ૧૪૬૩
૨૦૨૨-૨૩ ૧૨૦૦
૨૦૨૩-૨૪ ૧૪૧૬
૨૦૨૪-૨૫ ૨૨૦૦
બે વર્ષમાં કોને કેટલી રકમનો દંડ કરાયો?
–મે-૨૦૨૪માં
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ૫૩૬ વૃક્ષોના
ગેરકાયદે નિકંદન માટે બે એડવર્ટાઈઝિંગ એજન્સીને રુપિયા એક કરોડનો દંડ કોર્પોરેશને
કર્યો હતો. આ પૈકી એક એજન્સીએ કોર્ટનો આશરો લીધો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા
મળે છે.
–ચાંદખેડા
વોર્ડમાં એક બાંધકામ સાઈટ ઉપરના વૃક્ષોનુ નિકંદન કઢાતા તંત્રે ઝાંઝર સ્કાય નામની
સાઈટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવા ઉપરાંત રુપિયા બે લાખનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો
હતો.
–વર્ષ-૨૦૨૫માં
થલતેજ-શીલજમાં શાલીન રેસીડેન્સીને ગેરકાયદે ત્રણ વૃક્ષ કાપવા બદલ રુપિયા ૮૧ હજારની
પેનલ્ટી કરી ૩૦ નવા વૃક્ષ વાવી પાંચ વર્ષ સુધી ઉછેરવા કોર્પોરેશને નોટિસ આપી હતી.
માત્ર ૧૬૪૫ વૃક્ષ રીટ્રાન્સપ્લાન્ટ કરાયાનો તંત્રનો દાવો
મ્યુનિસિપલ કોર્પોરેશને દસ વર્ષમાં કપાયેલા વૃક્ષોની સામે
એરપોર્ટ પેરાફેરી એરીયામાં ૧૪૬૫ અને દક્ષિણ ઝોનમાં ૧૮૦ વૃક્ષ રીટ્રાન્સપ્લાન્ટ
કરાયા હોવાનો દાવો કર્યો છે.



