હોર્મુઝની ખાડી બંધ થવાથી ખાતર અટવાયું : ખાદ્યાન્ન સંકટ સર્જાઈ શકે | Fertilizer stuck due to closure of the Strait of Hormuz: Food crisis may arise

![]()
– યુદ્ધ વધતાં ખાતરના પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો
– યુદ્ધના કારણે વિશ્વના યુરીયા ખાતરનો 30 ટકા જેટલો પુરવઠો અટવાઈ ગયો : કોમોડિટી નિષ્ણાતોનો દાવો
હનોઈ : ઇરાન યુદ્ધના કારણે આખા વિશ્વમાં ખાતરની અછતની સ્થિતિ સર્જાઈ છે. દિવસ વીતવાની સાથે-સાથે ખાતરનો પુરવઠો દિનપ્રતિદિન ઘટતો જાય છે. આમ ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેનું આ યુદ્ધ વિશ્વસ્તરે ખાતરની અછત ઊભી કરીને વૈશ્વિક ખાદ્યાન્ન સંકટને જન્મ આપી શકે છે. યુદ્ધનું આ અત્યાર સુધીનું એવું પાસું છે કે જેના પર વિચાર જ કરવામાં આવ્યો નથી.
અમેરિકા અને ઇઝરાયેલના હુમલાના જવાબમાં ઇરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતા વૈશ્વિક પુરવઠો ઠપ થઈ ગયો છે. તેના કારણે આફ્રિકન દેશોમાં તો ખાતરના પુરવઠામાં ૯૦ ટકા ઘટાડો નોંધાયો છે.
ખાતરની અછતના લીધે વિકસતા દેશોના ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે. વિકસતા દેશોના ખેડૂતો ક્લાઇમેટ ચેન્જ અને અનિશ્ચિત હવામાનનો સામનો કરી રહ્યા છે ત્યાં યુદ્ધના લીધે એક મુશ્કેલી વધી છે. વાવણી સીઝન શરૂ થતાં પૂર્વે જ ખાતરની અછત પાકના ઉત્પાદન પર અસર પાડી શકે છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાર્લ સ્કુએ જણાવ્યું હતું કે ખાતરની અછતની સંભાવનાને ધ્યાનમાં રાખીએ તો ખરાબમાં ખરાબ સ્થિતિમા પાક.નું ઉત્પાદન ઓછું થાય અને આગામી સીઝનમાં પાક નિષ્ફળ જાય. આમ આગામી વર્ષે અનાજના ભાવ ઊંચા જાય તો આશ્ચર્ય ન થવું જોઈએ.
ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બે મહત્ત્વના પદાર્થો નાઇટ્રોજન અને ફોસ્ફેટ હાલમાં ઇરાનના બ્લોકેડનો ભોગ બનેલા છે. નાઇટ્રોજન યુરીયા ખાતર બનાવવામાં ઉપયોગી છે. હવે તેને જ સૌથી વધુ ફટકો પડયો છે. યુદ્ધના લીધે વિશ્વનો ૩૦ ટકા જેટલો યુરીયા ખાતરનો કારોબાર અટવાઈ ગયો છે, એમ લંડન સ્થિત કોમોડિટીઝ કન્સલ્ટન્સી સીઆરયુ ગુ્રપના ક્રિસ લોસને જણાવ્યું હતું.
આ જ રીતે ફોસ્ફેટનો પુરવઠો પણ અટવાયો છે. સાઉદી અરેબિયા વિશ્વના પાંચમાં ભાગનું ફોસ્ફેટ પૂરુ પાડે છે. આ વિસ્તારમાંથી વિશ્વમાં સલ્ફરના કુલ ઉત્પાદનના ૪૦ ટકા હિસ્સાની નિકાસ થાય છે. તે ચાવીરુપ ઇન્ગ્રેડિયન્ટ છે અને ઓઇલ-ગેસ રીફાઇનની આડપેદાશ છે. યુદ્ધ પૂરુ થયા પછી પણ અખાતમાંથી પુરવઠો જારી રાખવા માટે સુરક્ષાની ખાતરી મંગાઈ શકે છે.



