એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભરશે | air india ahmedabad flights shifting to terminal 2

![]()
Air India Flights Shifting Ahmedabad: એર ઈન્ડિયાએ આજે(27 માર્ચ) જાહેરાત કરી છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કામગીરી 29 માર્ચ, 2026થી ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર સ્થાનાંતરિત કરવામાં આવશે. આ ફેરફારમાં અમદાવાદથી આવતી-જતી એર ઈન્ડિયાની સાપ્તાહિક 210 ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, એરલાઈનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન તો અગાઉથી જ ટર્મિનલ-2 પરથી થઈ રહ્યું છે, હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ત્યાંથી જ ઓપરેટ થશે.
એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ ફક્ત ટર્મિનલ-2 પરથી જ થશે
29 માર્ચથી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સનું આગમન (Arrival) અને પ્રસ્થાન (Departure) ફક્ત ટર્મિનલ-2 પરથી જ થશે. મુસાફરોના એરપોર્ટ અનુભવને બહેતર બનાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. 49,000 ચોરસ મીટરમાં ફેલાયેલું ટર્મિનલ-2 આધુનિક સુવિધાઓ જેવી કે 52 ચેક-ઈન કાઉન્ટર, સેલ્ફ-બેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા, અને અનેક રિટેલ-ફૂડ આઉટલેટ્સથી સજ્જ છે.
મુસાફરોને SMS અને ઈ-મેઈલથી જાણ કરાશે
મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે એર ઈન્ડિયા દ્વારા SMS અને ઈ-મેઈલ મારફતે જાણ કરવામાં આવી રહી છે. મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા પોતાના ટર્મિનલની વિગત ફરી એકવાર ચકાસી લેવા સલાહ આપવામાં આવી છે.



