दुनिया

વિશ્વમાં વધુ એક નવા યુદ્ધના ભણકારા! ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક ‘હથિયાર’ | china stations jets turned drones bases near taiwan strait report says


China vs Taiwan: ચીન હવે તાઇવાન પર કબજો મેળવવા માટે પોતાની સૈન્ય વ્યૂહનીતિને એક નવા અને અત્યંત ખતરનાક સ્તર પર લઈ જતું જોવા મળી રહ્યું છે. ‘મિશેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરોસ્પેસ સ્ટડીઝ’ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીને તાઇવાન સ્ટ્રેટની નજીક આવેલા તેના 6 મહત્ત્વના એરબેઝ પર જૂના થઈ ગયેલા સુપરસોનિક ફાઇટર જેટ્સને આધુનિક ‘એટેક ડ્રોન’માં ફેરવીને તહેનાત કરી દીધા છે. સેટેલાઇટ તસવીરોમાં ફૂજિયન અને ગુઆંગડોંગ પ્રાંતમાં આશરે 200થી વધુ આવા ડ્રોન જોવા મળ્યા છે, જે વાસ્તવમાં 1960ના દાયકાના J-6 ફાઇટર જેટ્સ છે. આ વિમાનોને હવે ‘સુસાઇડ એટેક ડ્રોન’ અથવા ક્રૂઝ મિસાઇલ તરીકે વાપરી શકાય તે રીતે મોડિફાય કરવામાં આવ્યા છે.

સસ્તા ડ્રોન વિરુદ્ધ મોંઘી મિસાઇલ: તાઇવાન માટે આર્થિક પડકાર

ચીનની આ રણનીતિ પાછળ એક મોટું ગણિત છે. નિષ્ણાતોના મતે, યુદ્ધના પ્રથમ તબક્કામાં ચીન એકસાથે સેંકડો ડ્રોન છોડશે, જેને ‘સ્વાર્મ એટેક'(ઝુંડમાં હુમલો) કહેવામાં આવે છે. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય તાઇવાનની એર ડિફેન્સ સિસ્ટમને નબળી પાડવાનો છે. તાઇવાન માટે આ એક મોટી મુસીબત સાબિત થઈ શકે છે, કારણ કે ચીનના આ સસ્તા ડ્રોનને તોડી પાડવા માટે તાઇવાને પોતાની અત્યંત મોંઘી મિસાઇલોનો ઉપયોગ કરવો પડશે. એકવાર તાઇવાનનો દારૂગોળો અને ડિફેન્સ સિસ્ટમ આ ડ્રોનને રોકવામાં વ્યસ્ત થઈ જાય, ત્યારબાદ ચીન પોતાની અત્યાધુનિક મિસાઇલો અને ફાઇટર જેટ્સથી મુખ્ય હુમલો કરી શકે છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં મિસાઇલના કાટમાળના કારણે વધુ એક ભારતીયનું મોત, યુદ્ધની આગ હવે સામાન્ય લોકોના ઘર સુધી પહોંચી

આધુનિક યુદ્ધમાં હવે સૈનિકો નહીં, ડ્રોન મશીનો લડશે

ચીન અત્યારે વિશ્વમાં કોમર્શિયલ ડ્રોન બનાવવામાં સૌથી આગળ છે અને હવે તે આ ક્ષમતાનો ઉપયોગ સૈન્ય શક્તિ વધારવા માટે કરી રહ્યું છે. જોકે, અમેરિકન ઇન્ટેલિજન્સનું માનવું છે કે ચીન કદાચ 2027 સુધીમાં તાઇવાન પર હુમલો કરવાની ક્ષમતા મેળવી લેશે, પરંતુ હાલમાં આક્રમણની કોઈ તાત્કાલિક યોજના સ્પષ્ટ દેખાતી નથી. બીજી તરફ, તાઇવાન પણ આ ખતરાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને ચીનના આ ડ્રોન હુમલાઓને રોકવા માટે નવી પેઢીની ‘એન્ટી-ડ્રોન સિસ્ટમ’ વસાવવાની તૈયારી કરી રહ્યું છે. આ બદલાતી સ્થિતિ સ્પષ્ટ કરે છે કે આધુનિક યુદ્ધ હવે માત્ર સૈનિકો વચ્ચે જ નહીં, પણ હજારોની સંખ્યામાં ઉડતા ડ્રોન અને મશીનો વચ્ચે લડાશે.


વિશ્વમાં વધુ એક નવા યુદ્ધના ભણકારા! ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર' 2 - image



Source link

Related Articles

Back to top button