ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 Custodial Deaths in Gujarat: 79 in Jails 14 in Police Custody Says Report

![]()
93 Custodial Deaths in Gujarat: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે માનવ અધિકારના ઉલ્લંઘનને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. માનવ અધિકાર આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ 2024-25ના વાર્ષિક સરવૈયા મુજબ, જેલ કસ્ટડીમાં 79 અને પોલીસ કસ્ટડીમાં 14 મળી કુલ 93 મૃત્યુ અંગે માનવ અધિકાર આયોગ દ્વારા તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગંભીર મામલે આયોગ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સામાજિક મુદ્દે ન્યાય મેળવવાના ઈરાદે 2583 લોકોએ અરજીઓ કરી
માનવ અધિકાર આયોગ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક સરવૈયા મુજબ જેલ કસ્ટડીમાં કુલ 79 મોત થયાં તેમાં સૌથી વધુ 24 મૃત્યુ અમદાવાદ શહેરમાં, રાજકોટમાં 11 અને વડોદરામાં 10 અને સુરત જેલમાં 7 મૃત્યુ થયા હતા. જ્યારે, અમદાવાદ અને રાજકોટ શહેર પોલીસની કસ્ટડીમાં 3-3 આરોપી, સુરત-અમદાવાદ ગ્રામ્યમાં બે ઉપરાંત રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય, જૂનાગઢ અને વલસાડમાં એક-એક મળી રાજ્યમાં કુલ 14 કસ્ટોડીયલ ડેથ થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં
પોલીસ કે જેલ તંત્રની કસ્ટડીમાં આરોપી કે કેદીના મૃત્યુના કિસ્સામાં માનવ અધિકાર દ્વારા તપાસ કરાવવામાં આવે છે. બીજી તરફ, સમગ્ર રાજ્યમાં સામાજિક અન્યાયના મુદ્દે ન્યાયના માનવીય અધિકારની અપેક્ષાએ વર્ષ 2024-25માં કુલ 2583 લોકોએ અરજી કરી હતી તેમાંથી હજુ 567નો નિકાલ કરાયો નથી, એટલે કે તપાસ ચાલે છે.
સમગ્ર રાજ્યમાંથી બાળકો, આરોગ્ય, જેલ, શ્રમ-મજૂરી, અંડરવર્લ્ડ કે માફિયાગીરી, સાયબર ક્રાઈમ, પોલીસ કે પ્રદૂષણ સંબંધિત, શિક્ષણ, હિંસા, શૈક્ષણિક સંસ્થામાં રેગિંગ કે અન્ય પ્રશ્નો, મહિલા કે પછી પંચાયતી રાજ (ખાપ) પંચાયતો સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરતી અરજી કરાય તે અંગે માનવ અધિકાર આયોગ દ્વારા તપાસ કરવામાં આવે છે.



