બાંગ્લાદેશમાં બસ નદીમાં ખાબકી : 24 લોકોનાં મોત | Bus falls into river in Bangladesh: 24 people dead

![]()
– બસમાં 40 યાત્રીઓ સવાર હોવાનો અંદાજ
– લાપતા લોકોની શોધખોળ ચાલુ : બસ પરિવહન હોડી પર ચઢવા જતાં નદીમાં પડી
ઢાકા : બાંગ્લાદેશમાં એક બસ પરિવહન હોડી પર ચઢતી વખતે નદીમાં પડી જતા ઓછામાં ઓછા ૨૪ લોકોનાં મોત થયા છે અને અન્ય કેટલાક લોકો લાપતા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ દક્ષિણ પશ્ચિમ રાજબારી જિલ્લામાં દૌલાડિયા ટર્મિનલ પર સાંજે ૫.૧૫ કલાકે પદ્મા નદીમાં ખાબકી હતી.
અધિકારીઓનાં અંદાજ મુજબ ઢાકા જઇ રહેલી આ બસમાં બાળકો સહિત ૪૦ યાત્રીઓ સવાર હતાં જેમાં મોટા ભાગનાં લોકો ઇદની રજાઓ પસાર કરીને રાજધાની પરત ફરી રહ્યાં હતાં.
સ્થાનિક ફાયર સર્વિસનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર નદીમાંથી ૨૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બસમાંથી ૧૧ મહિલાઓ, ૬ પુરુષો અને ૫ બાળકો સહિત ૨૨ લોકોનાં મૃતદેહો મળી આવ્યા હતાં.
ફાયર સર્વિસનાં અધિકારી સોહેલ રાણાએ પત્રકારોને જણાવ્યું હતું કે બચાવ જહાજે ક્રેનની મદદથી બસને બહાર કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે આ અગાઉ ગોતાખોરોએ બે મહિલાઓનાં મૃતદેહો નદીમાંથી બહાર કાઢ્યા હતાં.
બાકીનાં ૨૨ મૃતદેહો ખરાબ હવામાનની વચ્ચે છ કલાકની મહેનત પછી બસને નદીની બહાર કાઢવામાં આવ્યા પછી મળી આવ્યા હતાં.
રાણાએ જણાવ્યું હતું કે ફાયર સર્વિસ અને કોસ્ટગાર્ડનાં મરજીવાઓ સેના અને પોલીસની મદદથી લાપતા લોકોને શોધી રહ્યાં છે.



