રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road

![]()
વડોદરા,આજવારોડ મહાવીર હોલ પાસે રોડ પર ઊભેલી ટ્રકમાં પાછળથી બાઇક ઘુસી જતા બાઇક ચલાવતા ખેડૂતનું મોત થયું હતું. જ્યારે વડોદરા હાલોલ રોડ પર ટ્રકની અડફેટે ઘાયલ બાઇકસવારનું મોત થયું છે.
કોટાલી ગામ ગોસાઇ ફળિયામાં રહેતો ધવલભારથી તુલસીભારથી ગોસાંઇ (ઉં.વ.૨૭) જરોદ નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે છ વાગ્યે ધવલ તેની બાઇક લઇને નોકરી પર જવા નીકળ્યો હતો. ભણીયારા ગામ પાસે બ્રિજ ઉતરતા એક ટ્રક ચાલક પૂરઝડપે રોડ ક્રોસ કરવા જતા બાઇકને ટક્કર વાગી હતી. બાઇકને ટક્કર વાગતા ધવલ ભારથી રોડ પર પટકાયો હતો. તેને છાતી તથા અન્ય ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
જ્યારે અન્ય એક કિસ્સામાં શહેર નજીકના તતારપુરા ગામે રહેતો ૫૦ વર્ષનો મનોજભાઇ અંબાલાલ વસાવા ખેતી કરે છે. આજે બપોરે તેઓ બાઇક લઇને પુજાનો સામાન લેવા માટે ઘરેથી વડોદરા આવ્યા હતા. કિશનવાડી ગધેડા માર્કેટથી તેઓ આજવારોડ મહાવીર હોલ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન રોડ પર ઊભેલી ટ્રકમાં અથડાતા ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયા હતા. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.

