મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત | madhya pradesh jabalpur chhindwara bus accident 10 dead 20 injured

![]()
Bus Accident: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના મોહખેડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા સેમરિયા હનુમાન મંદિર પાસે ગુરુવારે સાંજે એક ભયંકર માર્ગ અકસ્માતે ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી. મુખ્યમંત્રી ડો. મોહન યાદવના ‘હિતગ્રાહી સંમેલન’માંથી પરત ફરી રહેલી એક બસ અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ
આ અકસ્માત ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે ઉમરાનાળા વિસ્તારમાં થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. ભંડારકુંડ કરેરની આ બસ અને ટ્રક વચ્ચે સીધી ટક્કર થઈ હતી, જેના કારણે મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે એક મુસાફરનો હાથ કપાઈને અલગ થઈ ગયો હતો, જ્યારે ઘણા મુસાફરોના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે.
બચાવ કામગીરી અને ટ્રાફિક જામ
ઘટનાની જાણ થતા જ 20થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે રોડ પર 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને દૂર કરવા અને રાહત બચાવકાર્યમાં પોલીસ પ્રશાસન જોતરાયું હતું. છિંદવાડા SPએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અને મૃત્યુઆંકની પુષ્ટિ કરતાં કહ્યું હતી કે મૃતકોમાં 6 પુરુષો, 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે.
CMના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા મુસાફરો
બસમાં કુલ 41 લોકો સવાર હતા, જે તમામ હિતગ્રાહી સંમેલનમાંથી પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તેઓ છિંદવાડામાં આયોજિત સંમેલનમાં ભાગ લેવા ગયા હતા, જ્યાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ડો. મોહન યાદવ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બસ મુસાફરોને લઈને ઉમરાનાળા તરફ જઈ રહી હતી, ત્યારે જ રસ્તામાં ટ્રક કાળ બનીને ત્રાટકી હતી.
આ પણ વાંચો: અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી
વહીવટીતંત્ર અને ડોક્ટરોની મોટી ટીમ ઈજાગ્રસ્તોને બચાવવામાં લાગી ગઈ છે. SPએ કહ્યું હતું કે તમામ ઈજાગ્રસ્તોને વધુ સારી સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળે ભારે પોલીસ કાફલો અને વહીવટી અધિકારીઓ તૈનાત છે. ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન અને સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી છે. જિલ્લા હોસ્પિટલમાં પણ ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી શકે.


