નર્મદ યુનિ.નાં વિદ્યાર્થીઓ જાણી લો, કયા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે અને કોની નહીં લેવાય
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંતે બી.કોમ, બી.બી.એ, બી.સી.એ સહિતના વિવિધ અંડર ગ્રેજયુએટના અભ્યાસ કરી રહેલા બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. આ વિદ્યાર્થીઓને મેરીટ બેઝ્ડ પ્રોગેશનનો લાભ આપી આગળના સેમેસ્ટરમાં મોકલી દેવામાં આવશે. અંડર ગ્રેજયુએટના માત્ર છઠ્ઠા સેમેસ્ટર અને પોસ્ટ ગ્રેજયુએટના 2-4 સેમેસ્ટરની પરીક્ષાઓ લેવામાં આવશે. જેમાં યુ.જીની પરીક્ષા 25 જુનથી જયારે પી.જીની પરીક્ષા 6 જૂલાઇથી શરૂ કરવામાં આવશે.
યુનિવર્સિટીના મહત્વના નિર્ણયને પગલે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ત્રણ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની મુઝવણનો અંત આવ્યો છે. રાજયના શિક્ષણ વિભાગની સુચનાને અનુસરી વીર નર્મદ દિક્ષણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંતે પરીક્ષા સંબધીત મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ઇન્ચાર્જ કુલસચીવ રાજેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટીફીકેશન મુજબ આર્ટસ, કોમર્સ તેમજ સાયન્સના તેમજ એલ.એલ.બી, અને અન્ય પ્રોફેશનલ કોર્સિસના અંડર ગ્રેજયુએટના વિદ્યાર્થીઓના સેમેસ્ટર 2 (પ્રથમ વર્ષ) અને સેમેસ્ટર 4 (બીજુ વર્ષ)માં મેરીટ બેઝ્ડ પ્રોગેશનનો લાભ આપી, પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને આગળના સેમેસ્ટરમાં તેઓને મોકલી આપવામાં આવશે.
વિદ્યાર્થીઓનાં 50 ટકા ઇન્ટરનલ માર્કસ અને 50 ટકા અગાઉની પરીક્ષાના માર્કસના આધારે પરિણામ જાહેર કરાશે, જેથી જે વિદ્યાર્થીઓને એ.ટી.કે.ટી હશે તો તે પણ કેરીફોરવર્ડ કરી દેવામાં આવશે. નોટીફીકેશનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે , જે વિદ્યાર્થીઓની 1 અને 2 સેમેસ્ટરમાં એ.ટી.કે.ટી હોય તેવા વિદ્યાર્થીઓને પણ 5 માં સેમેસ્ટરમાં મોકલી આપવામાં આવશે. જેથી એ.ટી.કે.ટીના કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં. ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે યુજી કોર્ષમાં માત્ર છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે જે 25 જુનથી શરૂ કરાશે. જેમાં જે કોર્ષમાં 3 કલાક કે પછી 2 કલાકનું પેપર હોય તે રાબેતા મુજબનું જ રાખવામાં આવશે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. જયારે પી.જી કોર્ષના 2 અને 4 સેમેસ્ટરની પરીક્ષા 6 જુલાઇથી શરૂ કરાશે, એજ રીતે આર્કિટેકચરની પણ તમામ સેમેસ્ટરની પરીક્ષા લેવાશે જે 6 જૂલાઇથી શરૂ થશે.
સૌથી મોટી રાહત બી.કોમ. એલ.એલ.બીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મળશે, જેમાં સેમેસ્ટર 2,4,6,8માં પ્રોગેશન, અને માત્ર 10માં સેમેસ્ટરની પરીક્ષા લેવાશે. યુનિવર્સિટી દ્વારા સત્તાવાર નોટીફીકેશન જાહેર કરી દેવામાં આવતા વિદ્યાર્થીને મોટી રાહત થઇ છે.