અમેરિકા અને ઇરાન યુદ્ધ વચ્ચે શી-જિનપિંગે દ.ચીન સમુદ્રમાં અમેરિકાનાં સાથી ફિલિપાઈન્સને ઘેર્યું | Amid US Iran war Xi Jinping surrounds US ally Philippines in South China Sea

![]()
– તાઈવાનથી પણ આગળ વધી ચીને નવો મોરચો ખોલ્યો
– ચીનનાં સંખ્યાબંધ કોસ્ટગાર્ડ શિપ, મિલિશિયા બોટ્સ અને નેવલ વૉર શિપથી ફિલિપાઈન્સને ઘેરી તેને તંગ પરિસ્થિતિમાં મુકી દીધું છે
નવી દિલ્હી : દુનિયા આખીની નજર જ્યારે મધ્યપૂર્વમાં મંડાઈ રહી છે ત્યારે ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં તેની કાર્યવાહી વધારી દીધી છે. હજી સુધીમાં પહેલી જ વાર ચાઈનીઝ કોસ્ટગાર્ડે, લાઈવ રેડીયો બ્રોડકાસ્ટિંગ ઉપર મૂળભૂત રીતે ફિલિપાઈન્સના જ ક્ષેત્રમાં આવેલી સ્કાયબરો શોલમાં સાફ સૂફી કાર્યવાહી શરૂ કરી હોવાની જાહેરાત કરી છે.
ફિલિપાઈન્સના કોસ્ટગાર્ડના પ્રવક્તા એડમિરલ જય તેરીલાએ જણાવ્યું હતું કે અમારાં વિમાનો, અમારી જળસીમા ઉપર નિગરાની રાખવા ઊડી રહ્યાં હતાં ત્યારે તેમને ચીની યુદ્ધ જહાજો પણ ચીની કોસ્ટગાર્ડસ સાથે જોવા મળ્યાં હતાં.
આ નૌસેના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ૬ ચાઈનીઝ કોસ્ટગાર્ડ બેસલ્સ આશરે ૨૦ મિલિશિયા બોટ્સ (લશ્કરી બોટ) અને એક ચીની યુદ્ધ જહાજ ફિલિપાઈન્સની જળસીમામાં જોવા મળ્યાં હતાં. તે બધાં લશ્કરી જહાજોએ સ્થાનિક માછીમાર બોટ્સને બીવડાવી કાઢી મુકી હતી. ચીની જહાજો ઉપરથી સલામતી, સલામતી, સલામતી તેવું બ્રોડકાસ્ટ થતું રહેતું હતું.
આ પૂર્વે માર્ચ ૨૨-૨૩ દરમિયાન પણ ૨૦ જેટલી ફિલિપિનો માછીમાર નૌકાઓને ભયભીત કરી ભગાડી મુકવામાં આવી હતી.
નિરીક્ષકો કહે છે કે શી-જિનપિંગે આ ગજબનો ખેલ ખેલ્યો છે. પશ્ચિમ જ્યારે ઇરાન પર કેન્દ્રિત થયું છે ત્યારે તાઈવાનને પણ બાજુએ રાખી તેથી પણ દૂર પેસિફિક મહાસાગરમાં ડ્રેગન પોતાનો પંજો પ્રસારી રહ્યો છે. પશ્ચિમ વિશેષત: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેઇટ્સમાં ફસાયેલાં છે. ત્યારે તાઈવાનથી પણ દૂર સુધી પંજો પ્રસારી ચીને તાઈવાનને સીધી ચેતવણી આપી દીધી છે.



