પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sales increase by two to two and a half times in Bhavnagar

![]()
– બીજા દિવસે પણ વાહનોની લાંબી-લાંબી કતારો લાગી
– ઈંધણની કોઈ અછત નથી, ગભરાટમાં આવી અતિશય ખરીદી કે સ્ટોક ન કરો : કલેક્ટર
ભાવનગર : ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલ ખૂંટી જશે તેવા ભય અને રોકેટગતિએ ફેલાયેલી અફવાના કારણે વાહનમાલિકોએ સોમવારે પેનિક બાઈંગ કરતા દૈનિક સરેરાશની સામે પેટ્રોલ અને ડીઝલનું બેથી અઢી ગણું વેચાણ થયું હતું. ઈંધણ પૂરાવવાની અફરાતફરીના કારણે બીજા દિવસે પણ સવારે વાહનોની લાંબી-લાંબી કતારો લાગી હતી.
કોરોનાના લોકડાઉન સમયે જીવન જરૂરી વસ્તુઓ ન મળવાથી દાઝેલા ભાવનગરવાસીઓએ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખાલી થઈ જશે તેવી ચિંતામાં બીજા કામ-ધંધા છોડીને ટાંકી ફૂલ કરાવવાની હોડ લગાવી હતી. જેના કારણે ગઈકાલે સોમવારે રાત સુધી તમામ પેટ્રોલપંપો પર વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી.
સામાન્ય રીતે દરરોજ પેટ્રોલની ૩૩૧.૧ કિલોલીટર અને ડીઝલની ૫૩૮.૯૮ કિલોલીટરની વપરાશ રહે છે, તેની સામે સોમવારે પેનિક બાઈંગના કારણે બેથી અઢી ગણું પેટ્રોલ-ડીઝલનું વેંચાણ થયું હોવાનું કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું. આજે સવારે પણ પેટ્રોલપંપો પર વાહનોની લાંબી-લાંબી કતારો લાગી હતી. ત્યારે લોકોને ગભરાટ કે ચિંતિત થઈને જરૂરિયાતથી વધુ પેટ્રોલ-ડીઝલ ન પૂરાવા અને પેટ્રોલ-ડીઝલની જેમ સીએનજી-પીએનજીની પણ અછત ન હોય, સ્ટોક ન કરવા જિલ્લા કલેક્ટરે તાકીદ કરી હતી.
વધુમાં જિલ્લા કલેક્ટરે આજે ત્રણ પેટ્રોલપંપોની મુલાકાત લઈ સ્ટોક અને અન્ય માહિતી મેળવી હતી. ક્રેડીટ, રજા અને અન્ય કારણોસર કોઈ પેટ્રોલપંપ ડ્રાઈ થયા હતા. બાકી ઈંધણનો સ્ટોક પૂરતા પ્રમાણમાં હોવાનું ઉમેરી પીએનજી તરફ વળવા અનુરોધ કર્યો હતો.



