જૂની કલેક્ટર કચેરી પરિસરમાં વર્ષો જૂની સરકારી ઇમારતો ભયગ્રસ્ત હાલતમાં | Old government buildings in the old collectorate premises are in a dilapidated condition

![]()
મંજૂરીની સરકારી ફાઇલો વચ્ચે અટવાતું ડિમોલીશન
જૂનો રેકોર્ડ રૂમ, પુરવઠા કચેરી, જમીન સંપાદન અને સબ રજીસ્ટ્રાર કચેરી સહિતના બંધ બિલ્ડિંગો ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી ભીતિ
રાજકોટ: રાજકોટમાં ગરીબોના ગેરકાયદેસર મકાનોને તોડી પાડવા માટે તંત્ર સક્રિય થઇને મંજુરી મેળવી લે છે પણ સરકારી ભયગ્રસ્ત ઇમારતોને હટાવવા માટે મંજૂરી મળતી નથી. જૂની કલેક્ટર કચેરીમાં ૭ જેટલા જર્જરીત મકાનોને આશરે ૨૦ વર્ષ પહેલા ભયગ્રસ્ત જાહેર કરાયા હતા. જૂની જર્જરીત ઇમારતોની દિવાલ પર ભયગ્રસ્તની સૂચના ચોંટાડી મંજૂરીના રાહે બેસી રહેલા તંત્ર સામે જાગૃત લોકાએે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? જેવા પ્રશ્નો ઉઠાવ્યા હતાં.
તાજેતરમાં રાજકોટમાં ઠેર ઠેર ડિમાલીશનની કવાયત હેઠળ ગરીબોના મકાનો હટાવાઇ રહ્યાં છે પરંતુ શહેર ઘણી બધી ભયગ્રસ્ત અને જર્જરીત ઇમારતો પાડવાની મંજુરી મળી શકી નથી. ંકેટલીક ઇમારતો તો જાતે જ જમીનદોસ્ત થઇ ગઇ છે.
જૂની કલેક્ટર કચેરીના પરિસરમાં ઘણી બધી સરકારી કચેરીઓ, કેન્દ્રો ઉપરાંત ફેમેલી કોર્ટ અને બે કન્ઝ્યુમર ફોરમ આવેલા છે. લોકોની સતત અવરજવર રહે છે તેવા પરિસરમાં જર્જરીત ઇમારતોને લીધે અકસ્માત સર્જાય તેવી ભીતિ લોકોમાં સેવાઇ રહી છે. ૨૦ વર્ષોથી ભયગ્રસ્ત હોવા છતાં મંજૂરીની સરકારી ફાઇલો વચ્ચે ડિમોલીશન કરાયું નથી.
એક્ઝિક્યુટીવ એન્જિનિયરના જણાવ્યાં મુજબ પ્રિ મોનસૂન સર્વે બાદ જૂની કલેક્ટર કચેરીમાં આવેલી રેકોર્ડ રૂમ, પુરવઠા કચેરી, એગ્રોનોમિસ્ટ બિલ્ડિંગ, ઓલ્ડ વેસ્ટ હોસ્પિટલ, જૂની સબ રજીસ્ટ્રાર કચેરી, સ્પેશિયલ લેન્ડ એક્વિઝીશન ઓફિસ બિલ્ડિંગ સહિત ૭ જેટલી ઇમારતોને તોડવાની મંજૂરી માંગવામાં આવી છે. હાલ મંજૂરીના વાંકે ભયગ્રસ્ત ઇમારતો હટાવાઇ નથી.
વેસ્ટ હોસ્પિટલ જેવી ઇમારતો સો સો વર્ષ જૂની હોવાનો અંદાજ છે અને બે દાયકાઓથી તો ભયગ્રસ્ત જાહેર કરાઇ છે. જૂની કલેક્ટર કચેરીમાં અન્ય કાર્યરત ઓફિસમાં મોટી સંખ્યામાં લોકો પોતાના કામકાજ માટે આવે છે. જર્જરીત ઇમારતો પડુ પડુ હાલતમાં હોવાથી તંત્રની નિષ્ક્રિયતા અંગે સવાલો ઊભા થાય છે. એવામાં જાગૃત લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે કે જાનહાનિ થાય તો જવાબદાર કોણ?



