गुजरात

પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR | President of Petrol Diesel Dealers Association spreads rumours of shortage of stock FIR lodged



રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલરો સંગઠનના પ્રમુખ સામે ગુનો

આઇઓસીના અધિકારીએ પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેવી ખાતરી આપ્યા છતાં અફવા ફેલાવ્યાનો આરોપ

રાજકોટ: પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખુટી રહ્યો છે તેવી સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવવા અંગે રાજકોટ જિલ્લા પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા અને તપાસમાં ખૂલે તેના વિરુદ્ધ આઇઓસીના અધિકારીએ પ્ર.નગર પોલીસ મથકમાં બીએનએસ અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે.

૧૫૦ ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્કની બાજુમાં વન-વર્લ એપાર્ટમેન્ટમાં રહેતા અમિત જયસ્વાલ (ઉ.વ.૫૦) રેસકોર્સ રીંગ રોડ પર આવેલી આઇઓસીની કચેરીમાં ડિવિઝનલ રીટેલ સેલ્સ હેડ તરીકે ફરજ બજાવે છે. તેની નીચે સૌરાષ્ટ્ર-કચ્છમાં પેટ્રોલ-ડીઝલનાં સપ્લાયનું અને ડિસ્ટ્રીબ્યુશનનું કામ આવે છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇકાલે સવારે ગોપાલ ચુડાસમા આશરે ૪૦ થી ૫૦ પેટ્રોલ-ડીઝલના ડીલરો અને પ્રતિનિધિઓ સાથે તેની ઓફિસે પૂર્વ મંજૂરી વગર આવ્યા હતા. 

આવીને પેટ્રોલ-ડીઝલનાં જથ્થા બાબતે પૂછપરછ કરી કહ્યું કે, જથ્થો મળતો રહેશે કે કેમ. જેની સામે તેણે પૂરતો જથ્થો હોવાનું કહ્યું હતું. જેથી તેને લેટરપેડ આપી લેખિતમાં આપવાનું કહેતા તેમ કર્યું હતું. સાથોસાથ ખોટી અફવાઓથી દૂર રહેવા પણ કહ્યું હતું. ત્યાર પછી ગોપાલ ચુડાસમા સહિતનાં તેની ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. આ પછી સોશિયલ મીડિયામાં પેટ્રોલ પંપમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખુટી ગયો છે તેવું નિવેદન આપ્યું હતું. તે સાથે જ સોશિયલ મીડિયા અને ન્યુઝ ચેનલોમાં પેટ્રોલ પંપ ડ્રાય થઇ ગયા છે, કંપની પાસે પેટ્રોલ-ડીઝલનો જથ્થો હાલમાં નથી તેવા સમાચારો શરૂ થઇ ગયા હતા. 

આ પ્રકારની અફવાઓને કારણે પેટ્રોલ પંપો ઉપર લાઇનો લાગવાની શરૂ થઇ હતી. એટલું જ નહીં અરાજકતા ફેલાતા વાહન ચાલકો ખોટી રીતે હેરાન થયા હતા. ફરિયાદમાં આગળ અમિત જયસ્વાલે જણાવ્યું છે કે, યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે લોકોને પેટ્રોલ અને ડીઝલનો પુરતો પુરવઠો મળી રહે તે માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ખોટી અફવાઓને કારણે વિતરણ વ્યવસ્થામાં અડચણ ઊભી થઇ શકે છે, વાહન ચાલકો પણ પેનિક થઇ શકે છે, જેને કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાય અને અરાજકતાનું વાતાવરણ ઉભું થઇ શકે છે તેવી જાણ હોવા છતાં ગોપાલ ચુડાસમાએ લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.



Source link

Related Articles

Back to top button