ઇરાન-અમેરિકા યુધ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહયું હોવાનો અહેવાલ | Report that Pakistan is playing the role of mediator in the Iran US war

![]()
નવી દિલ્હી,24 માર્ચ,2026,મંગળવાર
ઇરાન અને અમેરિકા વચ્ચેના યુધ્ધના અંત માટે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહયું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન ખૂદ આંતકીઓને પાળનારો-પોષનારો દેશ હવે શાંતિ વાર્તા કરાવશે તેની દુનિયાને નવાઇ લાગવી સ્વભાવિક છે. કેટલાક અહેવાલો અનુસાર પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરે આ મુદ્વે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી. એક અંગ્રેજી સમાચાર પત્રમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે પાકિસ્તાની પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સોમવારે પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી.
આમાં પાકિસ્તાને વાતચીત માટે ઇસ્લામાબાદમાં એક સંભવિત સ્થળનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ઇરાન પછી પાકિસ્તાનમાં શિયા મુસલમાનોની સૌથી વધારે વસ્તી છે. પાકિસ્તાનમાં કોઇ પણ પ્રકારનો યુએસ બેઝ (સૈનિક અડ્ડો) નથી. આ તથ્યને આધારે તટસ્થ મધ્યસ્થનું પ્રબળ દાવેદાર રહયું હશે. અમેરિકાનો પાકિસ્તાન પ્રેમ વર્ષોથી જાણીતો છે. યુદ્ધમાં ઇરાનના ધર્મગુરુ આયાતોલ્લાહ ખોમેનીઇની હત્યાની પાકિસ્તાને ટીકા કરી હતી. ઇરાન સાથેના સંબંધો સામાન્ય રહયા છે આથી જ તો ઇરાને પાડોશી દેશો સામે યુધ્ધ મોરચો ખોલ્યો છે જેમાં પાકિસ્તાન બાકાત છે.
સાઉદી અરબે તુર્કીના સ્થાને મધ્યસ્થી માટે પાકિસ્તાનની પહેલ કરી હોવાનું ચર્ચાય છે. સાઉદી અરબ મધ્ય પૂર્વને નવો આકાર આપીને ક્ટ્ટરપંથને નાબૂદ કરવા માટે સૈન્ય કાર્યવાહી રાખવાના પક્ષમાં હોવાના પણ અહેવાલ મળે છે. જો કે વિરોધાભાસ એ પણ છે ઇરાન સાથે યુધ્ધ લડી રહેલું ઇઝરાયેલ પાકિસ્તાનને પસંદ કરતું નથી. પાકિસ્તાને એક દેશ તરીકે હજુ પણ ઇઝરાયેલને માન્યતા આપી નથી. આતંકવાદની ફેકટરી ગણાતા પાકિસ્તાન સાથે ઇઝરાયેલ હંમેશી તિરછી નજર રાખતું રહયું છે.



