BREAKING: ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, મિડલ ઈસ્ટની સ્થિતિ અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | Middle East war President Donald Trump spoke with Prime Minister Modi Strait of Hormuz

![]()
Donald Trump spoke PM Modi: મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોનમાં વાતચીત થઈ છે. જેમાં ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ખુલ્લુ રાખવાના મહત્વ પર ભારતે ભાર મૂક્યો છે. મહત્વનું છે કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયેલા અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે પ્રથમ વખત PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોનમાં વાતચીત થઈ છે.
અમેરિકાના ભારતમાં સ્થિત રાજદૂત સર્જિયો ગૌર દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતાં કહ્યું કે ‘રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જ વડાપ્રધાન મોદી સાથે વાત કરી. તેઓએ મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરી, જેમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ખુલ્લું રાખવાના મહત્વનો પણ સમાવેશ થાય છે.’
ટ્રમ્પ સાથેની વાતચીત અંગે PM મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું છે કે, તેમને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો, જેમાં બંને નેતાઓ વચ્ચે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે ઉપયોગી ચર્ચાઓ થઈ હતી. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ વિસ્તારમાં તણાવ ઘટાડવા અને વહેલી તકે શાંતિની પુનઃસ્થાપનાનું સમર્થન કરે છે. ખાસ કરીને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને સુરક્ષિત અને ખુલ્લું રાખવા બાબતે બંને દેશો સહમત થયા છે. વિશ્વમાં સ્થિરતા જાળવવા અને શાંતિ પ્રયાસો માટે ભારત અને અમેરિકા સતત સંપર્કમાં રહેશે તેવી ખાતરી પણ આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ એકબીજાને આપી હતી.
‘અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ વાતચીત કરી’: રાજ્યસભામાં PM
ઉલ્લેખનીય છે કે આજે 24 માર્ચના રોજ પીએમ મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતાં કહ્યું હતું કે, યુદ્ધની શરૂઆત બાદ મેં પશ્ચિમ એશિયાના દેશોના વડા સાથે બે વખત વાતચીત કરી છે. અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ વાતચીત કરી છે. કોમર્શિયલ જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણ અસ્વીકાર્ય છે. ભારતે નાગરિકો તથા સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. ભારત ડિપ્લોમેસીના માધ્યમથી યુદ્ધના આ માહોલમાં જહાજોની અવરજવર માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.
અમે સતત તમામ દેશો સાથે સંપર્કમાં છીએ: પીએમ મોદી
PM મોદીએ કહ્યું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ સપ્તાહનો સમય થઈ ગયો છે. જેના કારણે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતના વેપારના રસ્તા પ્રભાવિત થઈ રહ્યા છે. ગલ્ફ દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો વસે છે, તેથી તેમની સુરક્ષા પણ ભારત માટે ચિંતાનો વિષય છે. મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. ત્યાંનાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. જોકે કેટલાક ભારતીયોનું દુ:ખદ નિધન થયું છે, તેમની મદદ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.



