‘સંપૂર્ણ જીત સુધી લડાઈ ચાલુ રાખીશું’ ઈરાની સેનાની મોટી જાહેરાત, ટ્રમ્પનો દાવો ફગાવ્યો | Iran Rejects Trump’s Dialogue Claims: Military Vows War Until Full Victory Against Israel

![]()
US-Iran War Update : મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે ઈરાનના સૈન્ય કમાન્ડ દ્વારા મંગળવારે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ઈરાની સશસ્ત્ર દળોએ સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી સંપૂર્ણ વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેમનો સંઘર્ષ અને લડાઈ ચાલુ રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) દાવો કર્યો હતો કે, તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ ઈરાને આ દાવાને સખત રીતે ફગાવી દીધો છે.
‘નાણાકીય અને તેલ બજારોમાં હેરફેર કરવા ફેક ન્યૂઝ ફેલાવવાનું ષડયંત્ર’
ખાતમ-અલ-અનબિયા કેન્દ્રીય મુખ્યાલયના પ્રવક્તા મેજર જનરલ અલી અબ્દુલ્લાહી અલીબાદી (Major General Ali Abdullahi Alibadi)એ જણાવ્યું કે, ઈરાની સેના દેશની અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ અને અડગ છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગેર કલિબફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો હતો કે, નાણાકીય અને તેલ બજારોમાં હેરફેર કરવા માટે આવી ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.
ઈરાન-લેબનોન પર હુમલા ચાલુ રાખીશું : નેતન્યાહુ
ઈઝરાયેલના વલણની વાત કરીએ તો, પીએમ બેન્જામિન નેતન્યાહુ (Israel PM Benjamin Netanyahu)એ સ્પષ્ટ કહ્યું કે, અમેરિકા ભલે યુદ્ધવિરામ પર વિચાર કરતું હોય, પરંતુ ઈઝરાયેલ ઈરાન અને લેબનોન પર તેના હુમલા ચાલુ રાખશે. ઈઝરાયેલે બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે, જેમાં લેબનોન આરોગ્ય મંત્રાલય અનુસાર બે લોકોના મોત થયા છે. બીજી તરફ સાઉદી અરેબિયાએ ૧૯ ઈરાની ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે.
ઈરાની વિદેશ મંત્રીએ 8 દેશો સાથે યુદ્ધ પર ચર્ચા કરી
આ યુદ્ધની અસર અન્ય દેશો પર પણ જોવા મળી રહી છે. કુવૈતમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીના કારણે વીજ લાઈનોને નુકસાન થતા કલાકો સુધી અંધારપટ છવાયો હતો, જ્યારે બહેરીનમાં મિસાઈલ એલર્ટ સાયરન ગુંજ્યા હતા. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Iran Foreign Minister Abbas Araghchi)એ આ અઠવાડિયે અઝરબૈજાન, ઇજિપ્ત, ઓમાન, પાકિસ્તાન, રશિયા, દક્ષિણ કોરિયા, તૂર્કેઈ અને તુર્કમેનિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે યુદ્ધની સ્થિતિ પર ચર્ચા કરી છે. જોકે સૈન્ય સ્તરે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ દબાણ હેઠળ આવ્યા વગર પોતાની રક્ષા માટે લડતા રહેશે.



