વિશ્વમાં ચાલતા બે યુદ્ધોથી 55 વર્ષની સૌથી મોટી ઓઇલ કટોકટીનું સર્જન | Two wars in the world created the biggest oil crisis in 55 years

![]()
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના વડાની ચેતવણી
વિશ્વના ઓઇલ પુરવઠામાં રોજનો ૧.૧ કરોડ બેરલ ઓઇલનો કાપ અને એલએનજી પુરવઠો ૧૪૦ અબજ ઘનમીટર ઘટયો
નવી દિલ્હી: વિશ્વમાં ચાલતા બે યુદ્ધોએ છેલ્લા ૫૫ વર્ષનું સૌથી મોટી ઓઇલ કટોકટી સર્જન કર્યુ છે. આ યુદ્ધોના કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેનો કોઈ ઉકેલ દેખાતો નથી. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના પ્રમુખ ફાતિહ બિરોલે આ વાત જણાવી હતી. પશ્ચિમ એશિયાનું સંકટ ૧૯૭૦ની બે ઓઈલ કટોકટી દરમિયાન ગેસ બજારો પર પડેલી અસરથી વધુ ગંભીર અસરો સર્જી રહ્યું છે.
બિરોલે જણાવ્યું હતું કે મધ્યપૂર્વના ક્ષેત્રમાં નવ દેશોના ૪૦ ઉર્જા એકમો ગંભીર રીતે નુકસાન પામી ચૂક્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુરોપ અને અમેરિકાની સરકારોની સાથે ઓઇલ ભંડાર પૂરો પાડવા પર વિચારવિમર્શ કરી રહ્યા છે. જો જરૂર પડી તો અમે નિશ્ચિત રીતે આ પગલું ઉઠાવીશું, પરંતુ પહેલા સ્થિતિનું વિશ્લેષણ કરીશું અને સભ્ય દેશો સાથે ચર્ચા કરીશું.
બિરોલે જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડી બંધ થવાથી અને ઉર્જા સગવડો પર વૈશ્વિક હુમલાના કારણે વિશ્વનો ઓઇલ પુરવઠો લગભગ ૧.૧ કરોડ બેરલ રોજે ઘટી ગયું છે. ંઆ કટોકટી ૧૯૭૦ના દાયકામાં આવેલી કટોકટી કરતાં પણ બમણી છે. તેમણે જણાવ્યું હતું કે એલએનજી સપ્લાય લગભગ ૧૪૦ અબજ ઘનમીટર સુધી ઘટી ચૂક્યો છે. જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યુ ત્યારે આ કમી ફક્ત ૭૫ બીસીએમ હતી.
તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક વ્યવસ્થા આજે એક મોટા ભયનો સામનો કરી રહી છે.
મને આશા છે કે તેમાં બહુ ઝડપથી સમાધાન મળશે. તેમણે એ વાતને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે આ સંકટને તો પહેલા યોગ્ય રીતે સમજવામાં જ આવ્યું ન હતું. ગયા અઠવાડિયે પહેલી જ વખત સંગઠનેે જાહેરમાં આ સ્થિતિની ગંભીરતા જણાવી હતી. શુક્રવારે પેરિસ સ્થિત સંગઠને સરકાર દ્વારા ઉર્જા ખપતનો પ્રસ્તાવ મૂક્યો.


