VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | wall collapsed in Prayagraj uttar pradesh

![]()
Wall Collapsed In Prayagraj UP : પ્રયાગરાજના ફાફામઉ વિસ્તારમાં આજે સોમવારે(23 માર્ચ) કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી થઈ હતી. મોટી દુર્ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દિવાલ ધરાશાયી થતાં 20 શ્રમિકો દટાયા હતા. જેમાંથી 17 શ્રમિકોને બહાર કઢાયા છે. 9 શ્રમિકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હાલ, રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં 4 શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત
યુપીના પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દીવાલ ધરાશાયી થતાં ઘટના સમયે કામ કરી રહેલા અનેક શ્રમિકો કાટમાળ નીચે ફસાયા હતા. કોલ્ડ સ્ટોરેજ ચાંદપુરના ભૂતપૂર્વ ધારાસભ્યની હોવાનું જણાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દીવાલ તૂટી પડે તે પહેલાં વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો હતો, જેના કારણે આખી દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
અમોનિયા ગેસની પાઈપ ફાટી
મળતી માહિતી મુજબ, દુર્ઘટનાને પગલે અમોનિયા ગેસની પાઈપ ફાટી હોવાનું સામે આવ્યું છે. પાઈપ ફાટવાથી ગેસ લિકેજ થતાં સ્થિતિ વધુ ગંભીર બની છે. ગેસ લિકેજના કારણે ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે, દુર્ઘટના સમયે કોલ્ડ સ્ટોરેજની અંદર 20 જેટલાં શ્રમિકો કામ કરી રહ્યા હતા. જ્યારે દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા હતા.
સમગ્ર ઘટનાને લઈને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે, દુર્ઘટનાને પગલે ગુસ્સે ભરાયેલા લોકોએ એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હોવાનું જણાય છે. જ્યારે પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું છે.
આ પણ વાંચો: LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી!
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
અત્યાર સુધીમાં 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. JCBથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા પ્રયાગરાજના પોલીસ કમિશનર અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.
અનેક શ્રમિકોની હાલત ગંભીર
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સ્વરૂપ રાણી હોસ્પિટલ(SRN)માં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ‘બપોરના જમવાના સમયે બધા ભોજન પૂર્ણ કરીને આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં અંદરથી કોઈ પણ ભાગી શક્યું નહીં. અમે કોઈક રીતે અમારા જીવ બચાવવામાં સફળ રહ્યા.’
મૃતકના પરિવાર અને ઇજાગ્રસ્તને આર્થિક સહાય
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજના ફાફામાઉમાં બનેલી ઘટનાની નોંધ લઈ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અનુસાર, તેમણે પ્રત્યેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા અને પ્રત્યેક ઇજાગ્રસ્તને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે વહીવટીતંત્રને તમામ ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવાના કડક નિર્દેશ પણ આપ્યા છે.
આ સિવાય પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અનુસાર, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક ઇમારત ધરાશાયી થવાથી થયેલી દુર્ઘટનાથી ખૂબ દુઃખ થયું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઇજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.



