ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water Levels Drop: Dam Storage Falls 27% Ahead of Summer

Gujarat Water Levels Drop: ગુજરાતમાં ગત ચોમાસામાં સામાન્યથી અતિ વધારે વરસાદના લીધે ચોમાસા અને દિવાળી પછી છેક માગસર મહિનામાં 21મી નવેમ્બરની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં 90 ટકા સહિત રાજ્યના એકંદરે 96 ટકાનો જળસંગ્રહ હતો, શિયાળાના ચાર માસના અંતે અને ઉનાળાની શરૂઆત સુધીના ચાર માસમાં જ 27 ટકાનો અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલ રાજ્યમાં એકંદરે 68.96 ટકા અને સૌરાષ્ટ્રમાં માત્ર 54.75 ટકા સ્ટોરેજ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના ડેમમાં 25 ટકાથી ઓછું પાણી
પાણીની માંગ ઉનાળામાં શિયાળા કરતા દર વર્ષે નોંધપાત્ર વધતી રહી છે, ત્યારે આજની સ્થિતિએ રાજ્યના કુલ 207 ડેમોમાંથી 46 ડેમો જે મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છના જ છે તેમાં 25 ટકાથી ઓછું પાણી છે. જે પૈકીના 18 ડેમોમાં 10 ટકાથી ઓછું અને તેમાં પણ સૌરાષ્ટ્રના સાની (જામકલ્યાણપુર), ઉંડ-2 (ધ્રોલ), મોરશલ (ચોટીલા), કૈલા (ભૂજ), પ્રેમપરા (વિસાવદર), અમીપુર અને સરણ (કુતિયાણા) એમ 7 ડેમોમાં ઝીરો સ્ટોરેજ અર્થાત્ મેદાનમાં ફેરવાયા છે.

જિલ્લાવાઈઝ જળાશયોની સ્થિતિ મૂજબ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર મૌરબી, જામનગરના જળાશયોમાં અર્ધા ભરેલા અને અર્ધા ખાલી, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો માત્ર 20 ટકા સંગ્રહ અર્થાત્ 80 ટકા ખાલી છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં નવસારી, સુરત, ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં 50 ટકાથી ઓછી સંગ્રહ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જેવા વિસ લાખની વસ્તીવાળા મહાનગરથી શહેરો ગામો દૈનિક પાણી વિતરણ માટે પણ નર્મદાના નીર ઉપર આધારિત છે.
આ પણ વાંચો: ગુજરાત બોર્ડના ગુજરાતી ભાષાના જ પેપરમાં અસંખ્ય ભાષાકીય ભૂલ, એક તો પ્રશ્ન જ ખોટો
સરદાર સરોવરમાં હાલ 73 ટકા સંગ્રહ
સરદાર સરોવરમાં હાલ 73 ટકા સંગ્રહ છે જે ચાર માસ પૂર્વે 96 ટકાથી વધારે હતો. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ સુહિત લગભગ તમામ જળાશયો ગત ચોમાસે (૧૦૦ ટકા સંગ્રહ) છલોછલ થયા હતા. પરંતુ દર ચોમાસે માંગ્યાથી મેહ વરસાવવા તેવો કુદરતનો નિયમ નથી. હવે ક્લાઈમેટ ચેન્જ થયું છે, ત્યારે સ્થાનિક કૂવા, બોર, તળાવ, નદીની ઉપેક્ષાઅને જળવ્યય જોખમી નિવડી શકે તેમ છે.



