હોર્મુઝ 48 કલાકમાં ખોલો : ટ્રમ્પની ધમકી, ડિસિલેશન પ્લાન્ટ પર હુમલા થશે : ઈરાન | Open Hormuz in 48 hours: Trump threatens will attack desiccated plant: Iran

![]()
ઓઈલની લડાઈ પાણી યુદ્ધમાં ફેરવાય તેવું જોખમ
અમેરિકા અને તેના સાથી રાષ્ટ્રો સિવાય તમામ દેશો માટે હોર્મુઝની ખાડી ખુલ્લી જ છે : ઈરાનનો દાવો
વોશિંગ્ટન/તહેરાન: અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણ સામે ઈરાને હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી દીધી છે, જેને પગલે ક્રૂડ ઓઈલના ભાવ ૧૧૨ ડોલરને પાર થઈ ગયા છે અને દુનિયામાં ઓઈલ કટોકટી સર્જાઈ છે. આ સંકટ દૂર કરવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકમાં હોર્મુઝની ખાડી ખુલ્લી કરવા ચેતવણી આપી હતી. બીજીબાજુ ટ્રમ્પને જરા પણ મચક નહીં આપતા ઈરાને ડિસિલેશન પ્લાન્ટ પર હુમલાની વળતી ધમકી આપી હતી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝની ખાડી ખોલવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ચેતવણી આપતા લખ્યું કે, તહેરાન ૪૮ કલાકમાં હોર્મુઝની ખાડી નહીં ખોલે તો અમેરિકા ઈરાનના વિવિધ પાવર પ્લાન્ટ પર ભયાનક હુમલા કરીને ભારે વિનાશ કરશે અને સૌથી મોટા પ્લાન્ટથી તેની શરૂઆત કરશે.
જોકે, પ્રમુખ ટ્રમ્પના અલ્ટીમેટમના જવાબમાં ઈરાને અમેરિકાને વળતી ધમકી આપી હતી. ઈરાનની સેનાએ કહ્યું કે, તેમના વીજળી એકમો પર હુમલા થશે તો તેઓ અમેરિકા અને તેની સાથે સંકળાયેલા દેશોના ઊર્જા કેન્દ્રો, ડિસિલેશન પ્લાન્ટ પર હુમલા કરશે. મધ્ય-પૂર્વમાં આ ડિસિલેશન પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરીને પીવાના પાણી તરીકે ઉપયોગ થાય છે.
બીજીબાજુ ઈરાને એમ પણ કહ્યું કે, તે હોર્મુઝની ખાડીને સંપૂર્ણપણે બંધ રાખવા માગતું નથી. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠનમાં ઈરાનના પ્રતિનિધિ અલિ મૌસાવીએ કહ્યું કે, અમેરિકા અને તેના સાથી દેશોના જહાજો સિવાય બાકી બધા જ દેશો માટે હોર્મુઝની ખાડીનો માર્ગ ખુલ્લો છે. કોઈ જહાજ તેમના સુરક્ષા નિયમોનું પાલન કરશે અને તેઓ દુશ્મન દેશોના સાથી નહીં હોય તો તેમને પસાર થવા દેવામાં કોઈ મુશ્કેલી નહીં નડે.
ઈરાનનો દાવો છે કે હોર્મુઝની ખાડીમાં પરિસ્થિતિ બગડવાનું મુખ્ય કારણ અમેરિકા અને ઈઝરાયેલના હુમલા છે. તહેરાનની ખાડીમાં જહાજો અને નાવિકોની સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને કામ કરવા તેઓ તૈયાર છે.


