गुजरात

ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટયા | More than one and a half lakh devotees gathered for the sixth circumambulation of Chotila Dungar



ભક્તિ, શક્તિ અને એકતાનો  ત્રિવેણી સંગમ રચાયો : નવગ્રહ મંદિર ખાતે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા  યોજાઇઃ વડવાળા શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં 70 બોટલ રક્ત એકત્ર

ચોટીલા, : ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમા આજે  યોજાતા ભક્તિ, શક્તિ અને એકતાનો  ત્રિવેણી સંગમ રચાયો હતો.ધર્મજાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારાયોજાયેલી પરિક્રમા માટે વહેલી સવારથી જ ચોટીલાની તળેટીમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડયો હતો. દોઢ લાખ જેટલા માઈભક્તોએ જય માતાજીના નાદ સાથે ડુંગરની પરિક્રમા કરી હતી.

પરિક્રમાના પ્રારંભ પૂર્વે ડુંગરની તળેટીમાં આવેલ પ્રસિદ્ધ નવગ્રહ મંદિર ખાતે ધર્મસભા યોજાઇ હતી.આ સભામાં ઉપસ્થિત સાધુ-સંતોએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પરિક્રમા એ માત્ર શારીરિક કવાયત નથી પણ આત્મશુદ્ધિ અને સંગઠનનું પર્વ છે. સંતોએ  હિન્દુ સમાજને જ્ઞાાતિ-જાતિના ભેદભાવ ભૂલીને સંગઠિત  થવા હાકલ કરી હતી. આ તકે કલાકારોએ ભક્તિ અને રાષ્ટ્રવાદના રંગે શ્રોતાઓને તરબતર કર્યા હતા. 

શ્રદ્ધાળુઓની સુવિધા માટે સમગ્ર પરિક્રમા પથ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરબત, તરબૂચ, શેરડીનો રસ અને છાશના ચા – પાણી સહિતના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા.નવગ્રહ મંદિરના પ્રાંગણમાં રામકૃપા અન્નક્ષેત્ર દ્વારા યાજાયેલા મહાપ્રસાદનો લાભ અંદાજે ૩૦ હજારથી વધુ પરિક્રમાર્થીઓએ લીધો હતો.પરિક્રમા પથ પર 2100 જેટલાં વૃક્ષોના વાવેતર, ઉછેર સાથે વરૂણ વન તથા વરૂણ પ્રવેશ દ્વારનું આ પ્રસંગે લોકાર્પણ કરાયું હતું.જ્યારે ચોટીલા સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસીએશન દ્વારા પરિક્રમા રૂટ ઉપર આવેલ વડવાળા સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા જેમા ભાવિકોએ ૭૦ બોટલ રક્તદાન કર્યું હતું.

પરિક્રમા માટે જનમેદનીનો અવિરત પ્રવાહ ચાલુ રહેલ હતો. બપોરના 2 વાગ્યા સુધીમાં 1 લાખથી વધુ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી. જ્યારે સાંજ સુધીમાં દોઢ લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી હોવાનો અંદાજ  છે.  પરિક્રમા દરમિયાન ચોટીલા ચામુંડા ડુંગરની ચોતરફ આખું વાતાવરણ ચામુંડા માત કી જય અને જય માતાજીના નાદથી સતત ગુંજતું રહ્યું હતું.



Source link

Related Articles

Back to top button