Explainer: લંડન પણ ઈરાનની મિસાઈલ રેન્જમાં, જાણો ડિફેન્સ સિસ્ટમ નહીં ધરાવતું બ્રિટન કેટલું સુરક્ષિત! | Iran Missile Range Expands: Is London and Europe Under Threat After Diego Garcia Attack

![]()
Iran Missile Range : મધ્ય-પૂર્વમાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જંગ જામેલો છે. ઈરાનની સૈન્ય ક્ષમતાઓએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં ઈરાને હિંદ મહાસાગરમાં 3,700 કિ.મી. દૂર આવેલા ડિએગો ગાર્સિયા ટાપુ પર બે બેલિસ્ટિક મિસાઈલો છોડતા ઈરાનની અસલી મિસાઈલ તાકાતનો પરચો દુનિયાને મળ્યો છે. આ હુમલાથી સાબિત થયું છે કે ઈરાન ચાહે તો સમગ્ર યુરોપ અને એનાથીય આગળ વધીને છેક લંડન સુધી મિસાઈલ હુમલો કરી શકે છે. જો એમ થયું તો ઈરાની હુમલા સામે બચવા માટે બ્રિટને અમેરિકા અને યુરોપની મદદ લેવાની ફરજ પડશે. સ્વબચાવ માટે બ્રિટને પૂર્વી યુરોપમાં તૈનાત અમેરિકન SM-3 સંરક્ષણ પ્રણાલી અથવા જર્મની દ્વારા ઉપયોગમાં લેવાતી પેટ્રિઅટ મિસાઈલો પર આધાર રાખવો પડશે.
ડિએગો ગાર્સિયા પરના હુમલાએ ઈરાનની મિસાઈલ તાકાત બતાવી
ઈરાને હિંદ મહાસાગરમાં શુક્રવારે રાત્રે ડિએગો ગાર્સિયા ટાપુ પર બે બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. આ ટાપુ અમેરિકા અને યુકે દ્વારા સંયુક્ત રીતે સંચાલિત છે. ઈરાનથી આ ટાપુ 3,798 કિ.મી. દૂર છે, જે તેની અગાઉની ધારી હતી તે મર્યાદા (1,995 કિ.મી.) કરતાં ઘણું વધારે અંતર છે. આ હુમલાએ સાબિત કરી દીધું છે કે ઈરાનની મિસાઈલોની રેન્જ અગાઉના અંદાજ કરતાં ઘણી વધારે છે.
ઈરાને શા માટે ડિએગો ગાર્સિયા ટાપુ પર હુમલો કર્યો?
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા કરી રહ્યું છે, તેથી એને એમ કરતું રોકવા માટે બ્રિટને પોતાના એરબેઝ પરથી અમેરિકાને ઈરાન પર હુમલો કરવાની છૂટ આપી છે. ડિએગો ગાર્સિયા ટાપુ પર બ્રિટનનો એર બેઝ હોવાથી ઈરાને જવાબી કાર્યવાહીમાં એ ટાપુ પર મિસાઈલો છોડી હતી.
ઈરાનની શક્તિને ઓછી આંકી હોવાનો નિષ્ણાતોનો મત
બ્રિટિશ સેનાના પૂર્વ કમાન્ડર જનરલ સર રિચાર્ડ બેરોન્સે કહ્યું છે કે ઈરાનની શક્તિને વારંવાર ઓછી આંકવામાં આવી છે. અગાઉ કહેવાતું હતું કે ઈરાનની મિસાઈલોની મહત્તમ રેન્જ માત્ર 1,240 કિ.મી. છે, પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે તેઓ 4,000 કિ.મી. દૂરના લક્ષ્યને પણ નિશાન બનાવી શકે છે. આ પ્રકારનો મત ઘણાં યુદ્ધ નિષ્ણાતો વ્યક્ત કરી ચૂક્યા છે.
સમગ્ર યુરોપ અને લંડન પર ઈરાની હુમલાનું જોખમ
તાજેતરની આક્રમણ-ક્ષમતાને લીધે હવે પેરિસ (4,198 કિ.મી.) અને લંડન (4,425 કિ.મી.) જેવા યુરોપિયન શહેરો પણ ઈરાનની મારક હદમાં આવી ગયા છે. ઈઝરાયેલી સેનાના વડા લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝમીરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાને જે બે તબક્કાની આંતર-મહાદ્વીપીય મિસાઈલ લોન્ચ કરી છે, તેની રેન્જ 4,000 કિ.મી. છે. આ મિસાઈલો બર્લિન, પેરિસ, રોમ અને લંડન જેવી રાજધાનીઓ સુધી સરળતાથી પહોંચી શકે છે.
અવકાશ કાર્યક્રમ અને મિસાઈલ ક્ષમતા વચ્ચેનો સંબંધ
નિવૃત્ત રોયલ નેવી અધિકારી સ્ટીવ પ્રેસ્ટે આ અંગે મહત્ત્વપૂર્ણ સમજ આપતાં કહ્યું છે કે, બેલિસ્ટિક મિસાઈલો એ અવકાશી રોકેટ જ છે. જે દેશ પાસે અવકાશ કાર્યક્રમ હોય તેની પાસે બેલિસ્ટિક મિસાઈલ બનાવવાની ક્ષમતા પણ હોય છે. ઈરાને પોતાની સિમોર્ગ સ્પેસ લોન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિસાઈલોની રેન્જ વધારવાનું કામ કર્યું છે.
ઈરાની મિસાઈલને અમેરિકાએ તોડી પાડી
ડિએગો ગાર્સિયા પર ઝીંકેલી બે ઈરાની મિસાઈલો પૈકીની એક પણ પોતાના લક્ષ્યાંકને વીંધવામાં સફળ થઈ નથી. એક મિસાઈલને અમેરિકી યુદ્ધ જહાજના SM-3 ઇન્ટરસેપ્ટર દ્વારા તોડી પડાઈ હતી, જ્યારે બીજી મિસાઈલ ઉડાન દરમિયાન નિષ્ફળ ગઈ હતી. આ ઘટના પહેલાં અમેરિકાએ ઈરાનના નાતાન્ઝ પરમાણુ સંવર્ધન કેન્દ્ર પર ‘બંકર બસ્ટર’ બોમ્બથી હુમલો કર્યો હતો.
યુદ્ધની અસરને પગલે બ્રિટનમાં મોંઘવારી વધી
મધ્ય-પૂર્વમાં વધતા તણાવની સીધી અસર બ્રિટનમાં પણ જોવા મળી રહી છે. ખાતર અને ઊર્જાના ભાવ વધવાને કારણે રોજિંદી ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે. બ્રિટન હવે ખાતર બનાવવા માટે સંપૂર્ણપણે વૈશ્વિક બજારો પર નિર્ભર છે. હોર્મુઝની ખાડીનો જળ માર્ગ અવરોધિત થવાથી આ પુરવઠો ખોરવાયો છે, જેની અસર અન્ય દેશોની જેમ બ્રિટનના બજાર પર પણ પડી છે.



