સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ | Gas stolen scam running in Across ahmedabad with involvement of agency owners

અમદાવાદ, રવિવારં
અમદાવાદમાં આવેલા ચાના અને નાસ્તાના મોટાભાગના સ્ટોલમાં ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરનો બેરોટકોટ ઉપયોગ કરવામાં આવે છે. જેના પરિણામે જરૂરિયાત ધરાવતા પરિવારો સુધી ગેસ સિલિન્ડર પહોંચતા નથી અને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ગેસ એજન્સીઓના ગોડાઉનથી ગેસ સિલિન્ડર ગ્રાહક સુધી પહોંચે તે પહેલા એક સુવ્યસ્થિત કૌભાંડ ચલાવીને સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવામાં આવે છે. સૌથી નવાઇની વાત એ છે પુરવઠા વિભાગના અધિકારીઓના નાક નીચે જ સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવે છે.
મીડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધને કારણે ગેસની અછત થતા મધ્યમ વર્ગીય તેમજ વેપારીઓ પર તેની સૌથી વધારે અસર પડી છે. જેમાં ગેસના સિલિન્ડરની કાળાબજારી કરતા વધારે બેફામ બન્યા છે અને સિલિન્ડરને મુળ કિંમત કરતા ત્રણથી ચાર ગણી કિંમતે વેચીને લોકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે. પરંતુ,ગેસ સિલિન્ડરની કાળાબજારી માત્ર યુદ્ધની સ્થિતિને કારણે થતી નથી પરંતુ, આ પહેલાથી ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરીને ગ્રાહકોને લૂંટવાનું કૌભાંડ સમગ્ર અમદાવાદમાં સુવ્યવસ્થિત રીતે ચાલે છે. શહેરના વાડજ, સોલા, દાણીલીમડા, વટવા, બહેરામપુરા, નારોલ સહિતના વિસ્તારોમાં આવેલી વસાહતમાં ગેસ ચોરીનું કૌભાંડ ચાલે છે. 
ગેસ ચોરી કરી કરતી ગેંગની એક ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી છે. જેમાં સિલિન્ડરની ડીલીવરી કરતા વ્યક્તિને તેમજ કેટલાંક કિસ્સામાં ખુદ એજન્સીઓની સંડોવણી હોય છે. ગેસ સિલિન્ડર ગોડાઉનથી ગ્રાહકોને મોકલવા માટે લોડીંગ રીક્ષામાં મુકવામાં આવે ત્યારે મોટાભાગના રીક્ષાચાલકો સીધા ગ્રાહકો સુધી જવાને બદલે અગાઉ નક્કી થયેલા સ્થળ પર પહોંચે છે. જ્યાં ગેસના સિલિન્ડરનું સીલ તોડીને ગેસ સિલિન્ડરમાંથી બે થી ચાર કિલો સુધીનો ગેસનો જથ્થો અન્ય ખાલી સિલિન્ડરમાં લઇ લેવામાં આવે છે. બાદમાં તેના પર નવુ સીલ લગાવવામાં આવે છે. આમ, મોટાભાગના ગ્રાહકો સુધી ૧૪ કિલો ગેસના બદલે ૧૦ થી ૧૨ કિલો જ ગેસ મળે છે. જ્યારે ચોરીનો ગેસ ભરેલા સિલિન્ડરને ૧૫૦૦ થી ૧૮૦૦ રૂપિયામાં ચાના સ્ટોલ કે નાસ્તાનો સ્ટોલ ધરાવતા ફેરિયાઓને આપે છે. આમ, અમદાવાદમાં બે થી ચાર ગેસ સિલિન્ડરની ગેરકાયદે હેરફેર કરવામાં આવે છે.



