VIDEO: ઈરાને F-35 બાદ અમેરિકાના F-15 ફાઈટર જેટને તોડી પાડ્યું, વીડિયો જાહેર કરીને આપી ચેતવણી | Iran US Conflict iran claims down enemy f15 jet hormuz island video viral

![]()
Iran-US Conflict: ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ પાસે અમેરિકાના આધુનિક F-15 ફાઈટર જેટને તોડી પાડ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. વૈશ્વિક તેલ પુરવઠાનો સૌથી મોટો માર્ગ એટલે કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ હાલ રણમેદાન બની ગયો છે.
વીડિયો પુરાવા સાથે ઈરાને કર્યો મજબૂત દાવો
ઈરાનના સરકારી મીડિયા આઉટલેટ્સે આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. ઈરાની ‘જોઈન્ટ એર ડિફેન્સ કમાન્ડ’ના જણાવ્યા અનુસાર, તેમના રડારે દક્ષિણ કિનારા પાસે એક અજ્ઞાત લડાયક વિમાનની ઓળખ કરી હતી. ચેતવણી આપવા છતાં જ્યારે વિમાને પોતાની દિશા ન બદલી, ત્યારે ઈરાની મિસાઈલે તેને લોક કરીને ધ્વસ્ત કરી દીધું હતું. ઈરાનનું કહેવું છે કે અમેરિકન વિમાન સીધી રીતે સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક વિમાન રડાર ક્ષેત્ર પર સતત નિશાને છે, જે પછી થોડી ક્ષણો બાદ આકાશમાં એક જોરદાર વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે.
ખાડી દેશોમાં યુદ્ધથી સ્થિતિ વિકટ
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2026ના અંતથી જ ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તણાવ એટલો વધી ગયો છે કે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રૂડ કે ગેસની અવરજવરને અવરોધવામાં આવશે, તો ઈરાનના માળખાગત સુવિધાઓ પર ભીષણ હુમલા કરવામાં આવશે. ઈરાનનો આ ઘાતક પલટવાર ટ્રમ્પની ચેતવણીનો જવાબ માનવામાં આવે છે.
ઘટના પર અમેરિકાએ મૌન ધારણ કર્યું!
જો કે અમેરિકન સંરક્ષણ વિભાગે હજુ સુધી પોતાના કોઈ F-15 વિમાન ઈરાની હુમલામાં નિશાને આવ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ પહેલા પણ માર્ચની શરૂઆતમાં ઈરાને એક F-35 વિમાન તોડી પાડવાનો દાવો કર્યો હતો, પરંતુ અમેરિકાએ તેને ફગાવી દીધો હતો.
બજાર અને દુનિયા પર ગંભીર અસર
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના કુલ ક્રૂડ અંગે ગેસ વેપારનો મોટો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. જો આ યુદ્ધ વધુ લાંબું ખેંચાય છે, તો તે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે એક મોટો ફટકો સાબિત થશે.



