વિશ્વ જળ દિવસ – છ દિવસથી પાણીની લાઈન તૂટેલી, લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ | Water line has been broken for six days wasting millions of liters of clean water

![]()
વોર્ડ નંબર ૧૯માં સમાવિષ્ટ મકરપુરા પોલીસ સ્ટેશન પાસેના મુખ્ય માર્ગ પર છેલ્લા છ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયેલું છે. જેના કારણે સતત વિપુલ પ્રમાણમાં શુદ્ધ પાણીનો વ્યય થઈ રહ્યો છે. વિશ્વ જળ દિવસના દિવસે જ આ ઘટના પ્રકાશમાં આવતાં મ્યુનિ. કોર્પોરેશનની બેદરકારી ઉઘાડી પડી છે.
સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, છેલ્લા છ દિવસમાં લાખો લિટર પાણી વેડફાઈ ચૂક્યું છે. મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓને ચાર વખત રજૂઆત કરવા છતાં કોઈ સમારકામ કરાયું નથી. ઉપરાંત આ વિસ્તારમાં દર મહિને આ પ્રકારે ભંગાણ થાય છે, જેનું મૂળ કારણ અધૂરું અને અયોગ્ય સમારકામ છે.
ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે અને શહેરના અનેક વિસ્તારોમાં પહેલેથી જ પાણી કાપ ચાલી રહ્યો છે. ત્યારે આ ભંગાણના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણીનું પ્રેશર નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. શહેરના ઘણા વિસ્તારોમાં ડ્રેનેજ મિશ્રિત અથવા અપૂરતા પ્રમાણમાં પાણી મળવાની ફરિયાદો વચ્ચે, આ રીતે શુદ્ધ પાણીનો બગાડ થવો લોકોમાં ભારે રોષ ઊભો કરી રહ્યો છે.
કોંગ્રેસ કાર્યકરોએ, આ મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, રસ્તા બનાવવા પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતાં પહેલાં શહેરની ભૂગર્ભ માળખાકીય વ્યવસ્થા જેવી કે પાણીની લાઈનો અને ગટર વ્યવસ્થા સુધારવી જોઈએ, જેથી શુદ્ધ પાણીનો બગાડ અટકે અને નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે.



